પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

આણંદ અને ખેડા જિલ્લા બાદ વડોદરા અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આકાશમાંથી ધાતુના ગોળા પડતા રહસ્ય વધુ ઘેરાયું હતું. સતત બે દિવસમાં ખેડા અને આણંદમાંથી ગોળા મળી આવ્યા હતા. વડોદરાના પોઈચા ગામમાં ખેતરમા અવકાશી પદાર્થ પડતાં ચર્ચાનો વિષય બન્યો હતો. 12મેની સાંજે 4.45 કલાકે આણંદ જિલ્લાના ભાલેજ, ખંભોળજ અને રામપુરા ગામમા આકાશમાં ધાતુના ગોળા પડ્યા હતા. પ્રથમ ગોળો ભાલેજ અને તે પછી રામપુરા અને ખંભોળજ ગામમાં પડ્યા હતા. આ ત્રણેય ગામડા એકબીજાથી 15 કિમી દૂર આવેલા છે. ધાતુના ગોળાનું વજન આશરે 5 કિગ્રા હતું. આ ધાતુના ગોળા અવકાશી કાટમાળ હોવાની શક્યતા છે.

રવિવારે સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં પણ એક ધાતુનો ગોળો હતો. સત્તાવાળાએ ગોળાની તપાસ માટે ઈસરોની મદદ લેવાનો પણ નિર્ણય કરાયો હતો. ગુજરાતમાં ચાર દિવસ સુધી આવકાશમાંથી ધાતુના ગોળા વરસવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. પહેલીવાર આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં અલગ અલગ ત્રણ ગોળા મળી આવ્યા હતા. આ મામલાની તપાસ પૂર્ણ થાય તે પહેલા જ નડિયાદ જિલ્લાના ભૂમેલ ગામની સીમમાં એક વાડીમાં એક ગોળો પડ્યો હતો. સુરેન્દ્રનગર અને વડોદરામાંથી પણ આકાશમાંથી પડેલા ધાતુના ગોળા મળી આવ્યા છે.