બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર સામે હિન્દુ જાગૃતિ મંચે રવિવાર, 4 જાન્યુઆરીએ રાંચીના આલ્બર્ટ એક્કા ચોક ખાતે મશાલ રેલી કાઢી હતી. (ANI Photo)

બાંગ્લાદેશમાં એક મહિના કરતાં ઓછા સમયમાં પાંચમા હિન્દુની નિર્મમ હત્યા થતાં લઘુમતી સમુદાયમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સોમવાર, 5 જાન્યુઆરીએ બાંગ્લાદેશના એક અખબારના તંત્રી અને વેપારી હિન્દુની જેસ્સોર જિલ્લામાં મોટરસાઈકલ પર આવેલા ત્રણ હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. આ પછી ત્રણેય હુમલાખોરો ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.

જેસ્સોર જિલ્લાના કેશાપુરમાં રાણા પ્રતાપ બૈરાગીની હત્યા કરાઈ હતી. 38 વર્ષના બૈરાગી અરુઆ ગામમાં રહેતા હતાં. બૈરાગી મોનિરાપુર ખાતે કોપલિયા બજારમાં આઈસ ફેક્ટરી ધરાવતા હતા અને સાથે દૈનિક બીડી ખબર અખબારના કાર્યકારી સંપાદક હતા. સોમવારે સાંજે 5.45ના અરસામાં કોપાલિયા બજાર ખાતેની આઈસ ફેક્ટરી પર એક મોટરસાઈકલ પર ત્રણ લોકો આવ્યા હતા. બૈરાગીને ફેક્ટરીની બહાર બોલાવ્યા હતા. તેમને કોપલિયા બજારની પશ્ચિમ દિશામાં લઈ જઈને માથામાં નજીકથી ગોળી મારી હતી. પીડિતનું ઘટનાસ્થળે મોત થયું હતું

પોલીસના જણાવ્યા મુજબ બાંગ્લાદેશમાં પ્રતિબંધિત બાંગલર કમ્યુનિસ્ટ પાર્ટી સાથે બૈરાગી સંકળાયેલો હતો. તેની સામે ચાર પોલીસ કેસ નોંધાયેલા હતા. સંગઠનને લગતા વિવાદમાં હત્યા કરાઈ હોવાનું અનુમાન છે.

અગાઉ મધ્ય બાંગ્લાદેશના સબડિસ્ટ્રિક્ટ ઝેનૈદાહના કાલીગંજમાં એક 40 વર્ષીય હિન્દુ મહિલા પર બે મુસ્લિમ પુરુષોએ સામૂહિક બળાત્કાર ગૂર્જાયો હતો. આરોપીઓએ પીડિતાને ઝાડ સાથે બાંધી હતી અને તેના પણ વાળ કાપી નાખ્યાં હતાં.

આના એક દિવસ પહેલા બાંગ્લાદેશના શરિયતપુર જિલ્લામાં એક ટોળા દ્વારા હુમલો કરીને સળગાવી દેવામાં આવેલા હિન્દુ બિઝનેસમેન ખોખન ચંદ્ર દાસનું મૃત્યુ થયું હતું. 24 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશના કાલીમોહર યુનિયનમાં એક અન્ય હિન્દુ યુવાન અમૃત મંડલની કથિત રીતે ટોળાએ હત્યા કરી હતી. ૧૮ ડિસેમ્બરે ૨૫ વર્ષીય દીપુ ચંદ્ર દાસ પર પણ ઈશનિંદાનો ખોટો આરોપ લગાવીને ટોળાએ માર માર્યો હતો. તેમના મૃતદેહને પણ ઝાડ પર લટકાવીને આગ લગાવી દેવામાં આવી હતી.

LEAVE A REPLY