ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિર પર મહંમદ ગઝનીના પ્રથમ વખતના આક્રમણને 1,000 વર્ષ પૂરા થવા પર સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરાશે. આ પ્રસંગે 11 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહી ભારતીય સંસ્કૃતિની પ્રતિકારક્ષમતાની ઉજવણી કરશે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં વેરાવળ ખાતે અરબી સમુદ્ર કિનારે ભગવાન શિવને સમર્પિત સોમનાથ મંદિરમાં વર્ષભર ઉજવણીનું આયોજન કરાયું છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે 8થી 11 જાન્યુઆરી દરમિયાન સોમનાથમાં ઘણી આધ્યાત્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ યોજાશે. સોમનાથ મંદિર પરના પહેલા હુમલાના 1,000 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે એક બ્લોગપોસ્ટમાં વડાપ્રધાને મંદિરને ભારતીય સંસ્કૃતિના સંસ્કૃતિના અમર પ્રતીક તરીકે બિરદાવ્યું હતું. મોદીએ જણાવ્યું હતું કે “આપણી સભ્યતાના અદમ્ય ભાવનાનું સોમનાથ કરતાં વધુ સારું ઉદાહરણ બીજું કોઈ ન હોઈ શકે, જે મુશ્કેલીઓ અને સંઘર્ષને પાર કરીને ભવ્ય રીતે ઊભું છે. 2026માં સોમનાથ મંદિર પરના પહેલા હુમલાને 1,000 વર્ષ પૂરા થયાં અને ત્યારબાદ વારંવાર હુમલાઓ થયાં હતાં, છતાં મંદિર અડગ બનીને ઊભું છે. આનું કારણ એ છે કે સોમનાથની કહાની ભારત માતાના અસંખ્ય સંતાનોની અતૂટ હિંમત વિશે છે, જેમણે આપણી સંસ્કૃતિ અને સભ્યતાનું રક્ષણ કર્યું હતું.
મુસ્લિમોએ આ મંદિર પર ઘણી વખત હુમલા કરીને લૂંટ ચલાવી હતી. જેમાં તુર્કી શાસક મહમૂદ ગઝનીએ ઈ.સ. ૧૦૨૪માં આ મંદિર પર પ્રથમ વખત હુમલો કર્યો હતો.
મોદીએ જણાવ્યું હતું કે ભારતની આઝાદી પછી સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનું પવિત્ર કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલના સબળ નેતૃત્વ હેઠળ શરુ થયું હતું. આ સંકલ્પના પરિણામે 11 મે, 1951ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં મંદિરના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા હતા. સોમનાથ મંદિરના લોકાર્પણનો ઐતિહાસિક દિવસ જોવા માટે સરદાર પટેલ હયાત નહોતા, પરંતુ તેમનું સ્વપ્ન ચોક્કસ સાકાર થયું હતું. જોકે તત્કાલીન પીએમ નહેરુ આ આયોજનથી ખુશ નહોતા અને રાષ્ટ્રપતિ કે મંત્રીઓ આ સમારોહમાં હાજરી આપે તેની વિરુદ્ધમાં હતાં.
આ પ્રસંગે ભાજપે પણ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે આ દિવસ યાદ રાખવા અને સમજવા માટે મહત્વપૂર્ણ છે કે જવાહરલાલ નેહરુ અને ડાબેરી ઇતિહાસકારોએ મુસ્લિમ આક્રમણખોરને માત્ર લૂંટારુ તરીકે દર્શાવીને ઇતિહાસને વિકૃત કર્યો હતો












