ફિલ્મ નિર્માતા કિરણ રાવની લાપતા લેડીઝની વિદેશી ફિલ્મ કેટેગરી હેઠળ 2025 ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરાઈ છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ જાહનુ બરુઆએ આ અંગેની જાહેરાત કરી હતી. આ ફિલ્મને 12 હિન્દી ફિલ્મો, 6 તમિલ અને 4 મલયાલમ ફિલ્મોના નોમિનેશનમાંથી પસંદ કરાઈ હતી.
લાપતા લેડીઝ બિપ્લબ ગોસ્વામીની એવોર્ડ વિજેતા વાર્તા પર આધારિત ફિલ્મ છે. પટકથા અને સંવાદ સ્નેહા દેસાઈએ લખ્યા છે, જ્યારે દિવ્યાનિધિ શર્માએ વધારાના સંવાદોનું ધ્યાન રાખ્યું છે. ગયા વર્ષે પ્રતિષ્ઠિત ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF)માં આ ફિલ્મનું સ્ક્રીનિંગ થયું હતું. આ ફિલ્મ ભારતમાં 1 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને વિવેચકો અને પ્રેક્ષકોએ બિરદાવી હતી. બોક્સ ઓફિસ પર મોટી રકમની કમાણી ન કરી હોવાં છતાં, સ્ટ્રીમિંગ જાયન્ટ નેટફ્લિક્સ પર રિલીઝ થયા પછી ફિલ્મે નવો ચાહકવર્ગ મેળવ્યો હતો.
લાપતા લેડીઝનું દિગ્દર્શન કિરણ રાવ દ્વારા કરવામાં આવ્યું છે અને કિરણ રાવ, આમિર ખાન, જ્યોતિ દેશપાંડે દ્વારા નિર્મિત છે. ફિલ્મમાં નીતાંશી ગોયલ, પ્રતિભા રાન્તા, સ્પર્શ શ્રીવાસ્તવ, છાયા કદમ, રવિ કિશન જેવા નવા કલાકારો છે.