પોરબંદરથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા અને વિદેશની સફર કરી પરત ફરેલા એક મહિલા દ્વારકાની હોટલમાંથી ગુમ થયાનું પોલીસના ધ્યાને આવતા પોલીસે તેની સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ અંગેની વિગત મુજબ પોરબંદર જિલ્લામાં રહેતા મલેકબેન નુરુદ્દીન સિંધવાની નામના એક મહિલા થોડા સમય પૂર્વે ટોરેન્ટો ખાતેથી અમદાવાદ અને ત્યાંથી દ્વારકા તાલુકામાં આવેલા બરડીયા ગામ ખાતે બસ મારફતે આવ્યા હતા. જ્યાં તેણીને તા. 27 મે થી તા. 9 જૂન સુધી હોટેલ ગોવર્ધનમાં હોમ કવોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. ચૌદ દિવસ માટે કવોરોન્ટાઈન કરેલા આ આધેડ મહિલા અંગે દ્વારકા પોલીસે ગોવર્ધન હોટેલ ખાતે ચેકીંગ કરવા જતા, કવોરોન્ટાઈનના બીજા જ દિવસે આ હોટલમાં મળ્યા ન હતા.

પોલીસ દ્વારા મલેકબેન સિંધવાની સામે જાહેરનામા ભંગની કલમ 188, તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ વિગેરે મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી દ્વારકાના હેડ કોન્સ્ટેબલ એન. કે. જાડેજાએ હાથ ધરી છે. વધુમાં જાણવા મળતી વિગત મુજબ આ મહિલા તેમના વતન પોરબંદર પહોંચી જતા આ સ્થળે જઈ, આરોગ્ય વિભાગ તથા પોલીસ સ્ટાફ દ્વારા તેણીને દ્વારકા ખાતે પરત લાવી, તેણીને સરકારી કવોરોન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.

આટલું જ નહીં વધુમાં જાણવા મળતી વિગત મુજબ ખાનગી હોટેલમાં કવોરોન્ટાઈન કરાયેલા આ મહિલા પાસે પૈસા ખૂટી જતાં તેણે વતન તરફ જવા નીકળી ગઈ હોવાનું પણ વધુમાં ખુલવા પામ્યું છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ વિદેશથી આવતા મુસાફરોને તેઓના પોતાના સ્થાનિક વતન કે અમદાવાદ, સુરત, જેવા રેડ ઝોનમાં જવાની મનાઈ છે અને નજીકના જિલ્લામાં તેને કવોરોન્ટાઈન રાખવામાં આવે છે.

આ ઉપરાંત ખંભાળિયામાં આદિલ ઈકબાલ પોપટપૌત્રા, ફારુક આરબી માજોઠી, સંજય મુળજીભાઈ ખાણધર સામે જ્યારે તાલુકાના સલાયામાં જુબેર જુનસ સંધી, યાસીન ઇબ્રાહિમ ભગાડ, સાલેમામદ એલીયાસ ગજણ, સુલતાન કાસમ ભાયા નામના ચાર શખ્સો સામે ઉપરાંત જબાર ઈશાક સુંભણીયા અને ઇકબાલ હુશેન ચામડીયા નામના બે શખ્સો સામે વાડીનાર મરીન પોલીસ મથકમાં જાહેરનામા ભંગ સબબની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા તાલુકામાં અમીન દાઉદ ઇસબાણી સામે અને ઓખામાં આરીફ અભરામ સપ અને મહમદ હમીદ સુરાણી જ્યારે મીઠાપુરમાં અમિત દેવાભાઈ વેગડા અને વૈભવ નંદલાલ જોશી તથા ધના નથુભાઈ હાથીયા નામના ત્રણ શખ્સો સામે સ્થાનિક પોલીસે ગુનો નોંધ્યો છે.

આ ઉપરાંત ભાણવડમાં ખોડા માલદેભાઈ કેશવાલા, નગાભાઈ રાજશીભાઇ કારેણા, મામદ હાજીભાઇ હિંગોરા અને મહંમદ યુસુફ સિદ્દિકમિયાં બુખારી નામના ચાર શખ્સો સામે જ્યારે કલ્યાણપુરમાં સુરેશ મનજીભાઈ વાઘેલા આશિષગર રમેશગર મેઘનાથી, માલાભાઈ વીરાભાઈ વાઘેલા અને અરવિંદભાઈ અરજણભાઈ સોનગરા નામના ચાર શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.