(Photo by Phil Walter/Getty Images)

ભારતની દિગ્ગજ મહિલા ક્રિકેટર મિતાલી રાજે શુક્રવારે ઇતિહાસ રચ્યો હતો. ૩૮ વર્ષીય મિતાલી રાજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦ હજાર રન બનાવનારી ભારતની પહેલી અને દુનિયાની બીજી મહિલા ખેલાડી બની છે. મિતાલીએ સાઉથ આફ્રિકા વિરુદ્ધ વન-ડે સીરિઝની ત્રીજી મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.

લખનૌમાં રમાઇ રહેલી મેચમાં ૩૫ રનના સ્કોરને વટાવીને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. ઇંગ્લેન્ડની ચાર્લેટ એડવર્ડ્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦ હજાર રન બનાવનારી પ્રથમ મહિલા ખેલાડી હતી. હજુ તેનાથી આગળ નીકળવા માટે મિતાલીને ૨૯૯ રનની જરૂર છે. આવું કરીને તે મહિલા ક્રિકેટમાં સૌથી વધુ આંતરારાષ્ટ્રીય રન બનાવનારી મહિલા બની જશે.

મિતાલીએ આંતરરાષ્ટ્રીય વન-ડે મેચમાં 6,974, ટી-20 મેચમાં 2,364 તથા 10 ટેસ્ટ મેચમાં 663 રન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પાંચ મેચની વન-ડે સીરિઝની શરૂઆત થઇ ત્યારે મિતાલીને દસ હજાર રન પૂરાં કરવા માટે ૮૫ રનની જરૂર હતી. પ્રથમ વનડેમાં તેણે ૫૦ રન કર્યા હતા. જ્યારે બીજી મેચમાં તેને બેટિંગનો મોકો મળ્યો નહોતો. હવે ત્રીજી વનડેમાં તે ૫૦ બોલમાં ૩૬ રન બનાવીને આઉટ થઇ હતી.