ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફાઇલ ફોટો). (PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે નવી વિચારસરણી અને નવા અભિગમ તથા પ્રગતિશીલ નિર્ણયો સાથેના એક નવા ભારતનો ઉદય થઈ રહ્યો છે. એક એવી સિસ્ટમ ઊભી કરવામાં આવી રહી છે, કે જેમાં ભેદભાવનુ કોઇ સ્થાન ન હોય.

‘આઝાદીના અમૃત મહોત્સવથી સ્વર્ણિમ ભારત તરફ’ નામના કાર્યક્રમના રાષ્ટ્રીય લોન્ચિંગમાં વર્ચ્યુઅલ સંબોધન કરતાં મોદીએ નોંધ્યું હતું કે વ્યક્તિની પ્રગતિ દેશની પ્રગતિ સાથે જોડાયેલી છે અને લોકોએ દેશના વિકાસ માટે પોતાની ફરજનો મહત્ત્વ આપવાની જરૂર છે. આપણે સ્વીકારું પડશે કે આઝાદી પછીના 75 વર્ષમાં એક દૂષણે આપણા સમાજ, આપણા દેશ અને આપણને તમામને ઘેરી લીધા છે. આ દૂષણ એ છે કે આપણે ફરજોથી વિમુખ બન્યા છીએ. આ તમામ વર્ષોમાં લોકોએ માત્ર પોતાના હકોની વાતો કરી છે. આઝાદી કા અમૃત મહોત્સવ સંબંધિત બ્રહ્મા કુમારી દ્વારા ચાલુ કરવામાં આવેલા એક વર્ષ લાંબા કાર્યક્રમમાં મોદી બોલી રહ્યાં હતા. આ કાર્યક્રમમાં આશરે 30 કેમ્પેઇન અને આશરે 15,000 પ્રોગ્રામનો સમાવેશ થાય છે.

મોદીએ જણાવ્યું હતું કે લોકો પોતાની ફરજોને સંપૂર્ણપણે ભૂલી ગયા હોવાથી ભારત એક નબળો દેશ રહ્યો છે. લોકોએ પોતાની ફરજો બજાવવા માટે સાથે મળીને કામ કરવું જોઇએ, જેનાથી સામાજિક દૂષણો નાબૂદ થશે અને ભારત નવી ઊંચાઈએ પહોંચશે. વડાપ્રધાને વિદેશમાં ભારતનું સાચુ ચિત્ર કરવા અને દેશ અંગેની અફવાઓ દૂર કરવા માટે આંતરરાષ્ટ્રીય હાજરી ધરાવતી બ્રહ્મા કુમારી જેવા સંગઠનોને અનુરોધ કર્યો હતો.

સમાનતા અને સામાજિક ન્યાયના પાયા પર એક સમાજનું નિર્માણ થઈ રહ્યું હોવાનો ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું હતું કે આગામી 25 વર્ષ સખત પરિશ્રમ, બલિદાન, સાદગી અને તપસ્યાના છે. આ 25 વર્ષમાં ગુલામીના હજારો વર્ષો સુધી જે ગુમાવ્યું છે તે પરત મેળવવાના છે.