વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે નવી દિલ્હીમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેને મળ્યા. મળ્યાં હતા.. (ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે શ્રીલંકાના પ્રેસિડન્ટ રાનિલ વિક્રમસિંઘે સાથેની બેઠકમાં સ્પષ્ટ રજૂઆત કરી હતી કે શ્રીલંકામાં રહેતા તમિલ સમુદાયની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરો તથા તેમના માટે સન્માન અને પ્રતિષ્ઠાનું જીવન સુનિશ્ચિત કરો. વડાપ્રધાને શ્રીલંકાના બંધારણમાં 13મા સુધારાના અમલની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના પ્રેસિડન્ટ રાનિલ વિક્રમસિંઘે વચ્ચે વ્યાપક વાટાઘાટો બાદ ભારત અને શ્રીલંકાએ શુક્રવારે આર્થિક ભાગીદારીને નોંધપાત્ર રીતે વિસ્તૃત કરવા માટે મહત્વાકાંક્ષી વિઝન દસ્તાવેજ અપનાવ્યો હતો. મોદીએ કહ્યું કે ભારત નજીકના મિત્ર તરીકે કટોકટી દરમિયાન ટાપુ રાષ્ટ્રના લોકો સાથે “ખભેથી ખભા” મિલાવીને ઊભો રહ્યો હતો. શ્રીલંકામાં UPI પેમેન્ટ સિસ્ટમ શરૂ કરવા માટેના કરારને મજબૂત કરવાથી બંને પક્ષો વચ્ચે ફિનટેક કનેક્ટિવિટી વધશે. આ વિઝન ડોક્યુમેન્ટથી પ્રવાસન, વીજળી, વેપાર, શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને કનેક્ટિવિટી જેવા ક્ષેત્રોમાં પરસ્પર સહકારને વેગ મળશે. તેમાં મેરિટાઇમ, હવાઇ, એનર્જી અને લોકો-લોકો વચ્ચેના સંપર્કને વેગ આપવાની પણ જોગવાઈ છે.

ભારતની બે દિવસની મુલાકાતે આવેલા વિક્રમસિંઘેની મોદી સાથેની બેઠકમાં વ્યાપક ચર્ચાવિચારણા થઈ હતી. શ્રીલંકામાં તમિલ સમુદાય બંધારણમાં 13મા સુધારાના અમલની માંગ કરી રહ્યો છે. આ સુધારાથી તમિલ સમુદાયને રાજકીય સત્તામાં વ્યાપક ભાગીદારી મળે છે. 1987ના ભારત-શ્રીલંકાના કરાર બાદ 13મો સુધારો કરાયો હતો.

મોદી સાથેની બેઠક પછી મીડિયા નિવેદનમાં વિક્રમસિંઘે જણાવ્યું હતું કે તેમણે મોદીને એક સર્વગ્રાહી દરખાસ્તની માહિતી આપી હતી. વિક્રમસિંઘે આ સપ્તાહે આ દરખાસ્ત કરી હતી, તેમાં સત્તાની વહેંચણી મારફત વધુ સુલેહ કરવાની તથા ઉત્તરીય વિકાસ યોજના અંગેની બાબતો હતી.

ભારત-લંકા રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠની નીમિતે મોદીએ શ્રીલંકાના ભારતીય મૂળના તમિલ નાગરિકો માટે રૂ. 75 કરોડના વિવિધ પ્રોજેક્ટ અમલમાં મૂકવાની જાહેરાત કરી હતી. વધુમાં ભારતીય મૂળનો તમિલ સમુદાય શ્રીલંકામાં તેના આગમનના 200 વર્ષ પૂર્ણ કરી રહ્યો છે.

 

 

LEAVE A REPLY

10 + 19 =