અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવાર, 15 ઓક્ટોબરે દાવો કર્યો હતો કે તેમના “મિત્ર” વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ખાતરી આપી છે કે ભારત રશિયા પાસેથી ક્રૂડઓઇલ ખરીદવાનું બંધ કરશે. આ પગલાનું યુક્રેન પરના આક્રમણને લઈને મોસ્કો પર દબાણ વધારવા તરફનું મોટું પગલું છે.જોકે ભારતના વિદેશ મંત્રાલયે વડાપ્રધાન મોદી અને પ્રેસિડન્ટ વચ્ચે તાજેતરમાં કોઇ ટેલિફોનિક વાતચીત થઈ હોવાનો ઇનકાર કર્યો હતો.
પશ્ચિમી દેશોએ પ્રતિબંધો મૂક્યા હોવા છતાં ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી કરી રહ્યું છે અને રિફાઇન્ડ પ્રોડક્ટ્સ યુરોપ સહિતના બીજા દેશોને વેચી પણ રહ્યું છે.આ મુદ્દે તાજેતરમાં નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચેના વેપાર સંબંધો કથળ્યાં છે.
ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતની પ્રાથમિકતા અસ્થિર ઊર્જા બજારમાં ભારતીય ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવાની છે. ભારતની આયાત નીતિ સંપૂર્ણપણે આ ઉદ્દેશ આધારિત છે. સ્થિર ઊર્જા ભાવ અને સુરક્ષિત પુરવઠો સુનિશ્ચિત કરવો એ અમારી ઊર્જા નીતિના બેવડા ધ્યેયો રહ્યા છે. આમાં અમારી ઊર્જા સ્ત્રોતને વ્યાપક બનાવવા અને બજારની પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે યોગ્ય વૈવિધ્યકરણનો સમાવેશ થાય છે. અમેરિકાનો સંબંધ છે, ત્યાં સુધી ભારત ઘણા વર્ષોથી ઊર્જા ખરીદીને વિસ્તૃત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. છેલ્લા દાયકામાં આમાં સતત પ્રગતિ થઈ છે. વર્તમાન વહીવટીતંત્રે ભારત સાથે ઊર્જા સહયોગને વધુ ગાઢ બનાવવામાં રસ દાખવ્યો છે. ચર્ચાઓ ચાલુ છે
ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે કહ્યું કે ભારત રશિયન ક્રૂડ ખરીદી રહ્યું છે, તેથી અમેરિકા ખુશ નથી. આવી ખરીદીથી પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનને યુક્રેન યુદ્ધ માટેના નાણા મેળવવામાં મદદ મળે છે. તેઓ (મોદી) મારા મિત્ર છે, અમારો સંબંધ ખૂબ જ સારો છે… અમે તેમના રશિયા પાસેથી તેલ ખરીદવાથી ખુશ નથી, કારણ કે તેના કારણે રશિયા આ હાસ્યાસ્પદ યુદ્ધ ચાલુ રાખ્યું છે, જ્યાં તેમણે દોઢ મિલિયન લોકો ગુમાવ્યા છે. મોદીએ આજે મને ખાતરી આપી કે તેઓ રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં. તે એક મોટું પગલું છે. હવે આપણે ચીનને પણ રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી કરતું બંધ કરવું પડશે.
ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારતે રશિયન તેલની ખરીદી બંધ કરવાનું ચાલુ કર્યું છે. તે તાકીદે આવુ ન કરી શકે. તેમાં થોડી પ્રક્રિયા થઈ શકે છે, પરંતુ પ્રકિયા ટૂંકસમયમાં પૂરી થઈ જશે.
