સલમાન ખાન સંચાલિત વિવાદસ્પદ રીઆલિટી શો-‘બિગ બોસ 19’માં મલ્લિકા શેરાવત જોડાઈ રહી હોવાની અટકળો લાંબા સમયથી ચાલી રહી હતી. પરંતુ એક સમયની બોલીવૂડની હોટ અભિનેત્રી મલ્લિકાએ લાંબા સમયની ચર્ચા પછી અંતે પોતે જ સ્પષ્ટ કરી દીધું છે કે, ‘બિગ બોસ 19’માં ભાગ લેવાની તેની કોઈ ઈચ્છા નથી અને ભવિષ્યમાં પણ તે ક્યારેય ‘બિગ બોસ’માં જોડાશે નહીં.
48 વર્ષીય મલ્લિકાએ સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, તમા પ્રકારની અફવાઓ પર પૂર્ણવિરામ મૂકુ છું. હું ‘બિગ બોસ’ કરી રહી નથી અને ક્યારેય તેમાં ભાગ લેવાની નથી. અત્રે નોંધનીય છે કે, અગાઉ મલ્લિકાએ પોતાની ફિલ્મ વિકી વિદ્યા કા વો વાલા વીડિયો માટે રિયાલિટી શોમાં હાજરી આપી હતી. 2019માં ‘બિગ બોસ 13’ દરમિયાન મલ્લિકાએ સ્પર્ધકો સાથે વાતચીત કરી હતી અને આ શોમાં નોંધપાત્ર હાજરી આપી હતી.
‘બિગ બોસ’ની નવી સીઝન 24 ઓગસ્ટથી જિયો સિનેમા પર સ્ટ્રીમ થશે. જો કે સમગ્ર સિઝન દરમિયાન સલમાન આ શોને હોસ્ટ કરશે નહીં, સલમાન દ્વારા શરૂઆત થયા પછી કરણ જોહર, ફરાહ ખાન અથવા અનિલ કપૂર જેવા ફિલ્મકારો આ શોનું સંચાલન સંભાળે તેવી સંભાવના છે.
‘બિગ બોસ’ના પ્રોડ્યુસર્સ દ્વારા હજુ સંભવિત સ્પર્ધકો અથવા અન્ય હોસ્ટના નામ જાહેર થયા નથી. આ વખતના સ્પર્ધકોમાં યુ ટ્યૂબર પૂરવ ઝા, બિઝનેસમેન રાજ કુન્દ્રા, ઈન્ફ્લુએન્સર રેબેલ કિડ, એક્ટર મુનમુન દત્તા, કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ફૈઝલ શેખ સહિત કેટલાક નામ ચર્ચાઈ રહ્યા છે. આ વખતે શોમાં પ્રથમ વખત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સ્પર્ધક કાવ્યા મહેરા અને યુએઈની AI ડોલ હાબુબુને લવાય તેવી શક્યતા પણ છે.
