વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોકિયોમાં સોમવારે ઇન્ડિયન કમ્યુનિટીના સભ્યોને મળ્યા હતા. (ANI Photo/PIB)

ક્વોડ સમીટમાં ભાગ લેવા જાપાન ગયેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત અને જાપાન નેચરલ પાર્ટનર્સ છે અને જાપાનને રોકાણે ભારતની વિકાસયાત્રામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપેસિટીનો અસાધારણ વ્યાપ અને ગતિ સાથે વિકાસ થઈ રહ્યો છે અને વૈશ્વિક સમુદાય તેનું સાક્ષી છે.

મોદીએ જણાવ્યું હતું કે જાપાન સાથે ભારતના સંબંધો મજબૂતાઈ, સન્માન અને વિશ્વ માટે સહયારી સંકલ્પના છે. જાપાન ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ ક્ષમતાના નિર્માણ માટે મહત્ત્વનો ભાગીદાર દેશ છે. મોદીએ મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ, દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર અને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર્સનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જાપાન સાથે ભારતના સંબંધો બુદ્ધ, જ્ઞાન અને ધ્યાનના છે. હાલના વિશ્વે ગૌતમ બુદ્ધે દર્શાવેલા માર્ગ પર ચાલવાની જરૂર છે. તે હિંસા, અરાજકતા, ત્રાસવાદ અને પર્યાવરણી ફેરફાર જેવી પડકારોથી માનવતાને બચાવવાનો એકમાત્ર માર્ગ છે.

પોતાના 35 મિનિટના ભાષણમાં મોદીએ જણાવ્યું હતું કે છેલ્લાં બે વર્ષથી વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે. ભવિષ્યમાં આવી સ્થિતિને ટાળવા માટે આત્મનિર્ભર ભારતના સંકલ્પ તરફ આગળ વધવાની જરૂરી છે. આત્મનિર્ભર ભારતનો અમારો સંકલ્પ માત્ર ભારત માટે નહીં, પરંતુ તે સાતત્યપૂર્ણ વૈશ્વિક સપ્લાય ચેઇન માટે ખૂબ મોટું રોકાણ છે.