. (PTI Photo)

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાષ્ટ્રવ્યાપી સંબોધનમાં મોટી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે દેશમાં 21 જૂનથી 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને મફતમાં વેક્સીન આપવામાં આવશે અને દેશના 80 કરોડ ગરીબ લોકોને નવેમ્બર સુધી એટલે કે દિવાળી સુધી ફ્રીમાં રેશન આપવામાં આવશે. દેશમાં 21 જૂનથી રસીકરણ અભિયાનની સંપૂર્ણ કામગીરી કેન્દ્ર સરકાર કરશે.

વેક્સીનેશનની નીતિમાં ફેરફારની જાહેરાત કરતાં મોદીએ જણાવ્યું હતું કે રાજ્યોની માગણીને આધારે તેમને રસીકરણની 25 ટકા જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ થોડા સપ્તાહોમાં રાજ્યોએ આ પ્રક્રિયામાં મુશ્કેલી પડતી હોવાનું જણાવ્યું હતું. મે મહિનાના બે સપ્તાહમાં રાજ્યો કહેવા લાગ્યા હતા કે વેક્સીન ડિસ્ટ્રિબ્યુશનની કેન્દ્રીય સિસ્ટમ વધુ સારી હતી. અમે રાજ્યોને આપવામાં આવેલી 25 ટકા જવાબદારી પોતાના શિરે લઈશું. તેનો અમલ બે સપ્તાહમાં થશે. અમે 18 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે રાજ્યોને ફ્રીમાં પૂરી પાડીશું.

મોદીએ જણાવ્યું હતું કે રાજ્યોને ફ્રીમાં વેક્સીન મળશે, પરંતુ ફ્રીમાં વેક્સીન ન ઇચ્છતાં લોકો ખાનગી હોસ્પિટલમાં રસી લઇ શકે છે. ખાનગી હોસ્પિટલો કંપનીઓ દ્વારા ઉત્પાદિત વેક્સીનમાંથી 25 ટકા ખરીદી શકે છે. ખાનગી હોસ્પિટલો વેક્સીનના નિર્ધારિત ભાવ કરતાં રૂ.150નો વધારાનો ચાર્જ લઈ શકશે.

ગરીબ લોકોને રાહતની જાહેરાત કરતાં મોદીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના દિવાળી સુધી ચાલુ રહેશે. આ મહામારીમાં સરકાર ગરીબોની સાથે છે. આશરે 80 કરોડ લોકોને નવેમ્બર સુધી રેશન મળશે.

રસીકરણ અંગે મોદીએ જણાવ્યું હતું કે આપણે એક વર્ષમાં બે સ્વદેશી વેક્સીન લોન્ચ કરી છે. આશરે 23 કરોડ લોકોને અત્યાર સુધી વેક્સીન આપવામાં આવી છે.

વડાપ્રધાનને જણાવ્યું હતું કે એપ્રિલ અને મે મહિનામાં ઓક્સિજનની માગમાં અકલ્પનીય વધારો નોંધાયો હતો. ભારતમાં એકસાથે આટલા ઓક્સિજનના જથ્થાની આ પ્રકારની અછત સર્જાઈ નહોતી. જેના પરિણામે ઓક્સિજનની અછતને સંતોષવા માટે યુદ્ધ સ્તર પર કામ હાથ ધરી દેવામાં આવ્યું હતું. સરકારના તમામ તંત્ર પણ કામગીરીમાં લાગી ગયા હતા. ઓક્સિજન રેલવે, એરફોર્સ, નેવીને પણ કામગીરીમાં લગાડવામાં આવ્યા હતા. ગણતરીના સમયગાળામાં લિક્વિડ ઓક્સિજનના ઉત્પાદનમાં 10 ગણો વધારો કરવામાં આવ્યો હતો.