new president of the Congress
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી (PTI Photo/Kamal Singh)

કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ નેશનલ હેરાલ્ડ વર્તમાનપત્ર સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની બે કલાક સુધી પૂછપરછ કરી હતી. ઇડીએ 25 જુલાઇએ સોનિયાને ફરી બોલાવ્યા છે. બીજી તરફ આ કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસે દેશભરમાં ઉગ્ર વિરોધી પ્રદર્શન કર્યા હતા અને કેટલાંક નેતાઓએ ધરપકડ વહોરી લીધી હતી. દરમિયાન કોંગ્રેસના એક નેતાએ પાર્ટીમાંથી પોતાના સસ્પેન્શનને પડકારતી અરજીની સુનાવણી કરતાં કેરળના કોલ્લામની કોર્ટે સોનિયા ગાંધીને 3 ઓગસ્ટે રૂબરુમાં કે વકીલ મારફત હાજર થવાનું સમન્સ આપ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કોરોનાથી રિકવર થઈ રહેલા 75 વર્ષીય  નેતાની વિનંતીને પગલે પૂછપરછ બંધ કરાઇ હતી. પૂછપરછ બપોરે 12.30 વાગ્યે ચાલુ થઈ હતી અને સોનિયા ગાંધી બપોરે 2.30 વાગ્યે ઇડી ઓફિસમાંથી રવાના થયા હતા.

સોનિયા ગાંધીએ 28માંથી 27 પ્રશ્નોના જવાબ આપ્યા હતા. સોનિયાની પૂછપરછ કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને કરાઈ હતી. ઇડી ઓફિસની બહાર બે ડોક્ટર અને એમ્બ્યુલસન્સ તૈયાર રખાઈ હતી. રાહુલ ગાંધીની તુલનાએ સોનિયાએ વધુ ઝડપથી ઇડીના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. અગાઉ રાહુલની પાંચ દિવસમાં આશરે 50 કલાક પૂછપરછ કરાઈ હતી. ઇડીની ઓફિસ સુધી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ આવ્યા હતા. પ્રિયંકા ગાંધીને પ્રવર્તન ભવનમાં રહેવાની છૂટ અપાઈ હતી, પરંતુ તેમને અલગ રૂમમાં રખાયા હતા.