પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકાની સરકાર સમક્ષ પાસપોર્ટ માટેની ઢગલાબંધ અરજી આવી હોવાથી વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કેન પર આજકાલ ભારે દબાણમાં છે. સરકારી તંત્ર એટલું ધીમી ગતિએ કામ કરે છે કે તેનો નિકાલ થઈ શકતો નથી. લાંબા વેઇટિંગ પીરિયડને કારણે બ્લિન્કેન પર માછલા ધોવાઈ રહ્યા છે. અમેરિકામાં કોવિડ ત્રાટક્યો ત્યારથી નવા પાસપોર્ટ બનાવવાની અને રિન્યુ કરવાની કામગીરીને અસર થઈ છે અને હજુ સુધી વ્યવસ્થિત થઈ શકી નથી.

અમેરિકન વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે તેમને દર અઠવાડિયે પાસપોર્ટની 4.30 લાખથી વધારે અરજીઓ મળે છે. દરેક મોટા શહેરમાં પાસપોર્ટ સેન્ટરની બહાર લાંબી લાઈનો જોવા મળે છે અને લોકો આ વિલંબથી ત્રાસી ગયા છે. પાસપોર્ટના બેકલોગની સમસ્યા એટલી વધી ગઈ છે કે અમેરિકનોને વિદેશ પ્રવાસે જવું હોય તો મુશ્કેલી પડે છે. નવા પાસપોર્ટ મેળવવામાં અને જૂના પાસપોર્ટ રિન્યૂ કરવામાં મહિના લાગી જાય છે.

કેટલાક અમેરિકન નેતાઓએ આ સમસ્યાને એક ક્રાઈસિસ તરીકે ગણાવી છે. તેઓ કહે છે કે સરકાર પાસપોર્ટ ઈશ્યૂ કરવા જેવા કામમાં પણ સાવ નિષ્ફળ ગઈ છે. ભારે ટીકાનો સામનો કરી રહેલા વિદેશપ્રધાન એન્ટની બ્લિન્કેને જણાવ્યું હતું કે સમયસર પાસપોર્ટ આપવા એ સરકારની મૂળભૂત જવાબદારી છે કારણ કે તેનાથી લાખો લોકોના જીવનને અસર થાય છે.

અમેરિકામાં કોરોના વાઈરસના કારણે જે હાલબેહાલ થયા તેમાંથી કેટલાક સરકારી તંત્ર હજુ પણ બહાર નથી આવી શક્યા. વિદેશ મંત્રાલય પણ તેમાં સામેલ છે. કેટલાક લોકોના પાસપોર્ટ બે-ત્રણ વર્ષ અગાઉ લેપ્સ થઈ ગયા હતા. તેથી તેઓ પણ પાસપોર્ટ કઢાવવા માટે લાઈન લગાવી રહ્યા છે.

માર્ચ 2023માં અમેરિકાના વિદેશ મંત્રાલયને દર મહિને 5.60 લાખ જેટલી પાસપોર્ટ અરજીઓ મળતી હતી. હવે તેની સંખ્યા ઘટીને 4.30 લાખ થઈ ગઈ છે. છતાં આ સંખ્યાને પહોંચી વળવા માટે પણ સિસ્ટમ કામ કરતી નથી. ગયા વર્ષમાં ડિપાર્ટમેન્ટ દ્વારા કરોડ 20 લાખ લોકોને પાસપોર્ટ અપાયા હતા. ચાલુ વર્ષમાં 2.50 કરોડ પાસપોર્ટ જારી કરવામાં આવે તેવી શક્યતા છે. ઓગસ્ટ મહિનામાં રેકોર્ડ સંખ્યામાં અમેરિકનો વિદેશ પ્રવાસે જતા હોય છે. જ્યારે હાલમાં પાસપોર્ટનો પ્રોસેસિંગ ટાઈમ 10થી 13 અઠવાડિયાનો છે. તમે 60 ડોલરની વધારીની ફી ભરો તો પણ પાસપોર્ટ ઈશ્યૂ થવામાં સાતથી નવ અઠવાડિયા લાગી જાય છે. જેથી જે લોકોને તાત્કાલિક વિદેશયાત્રા કરવી છે તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અમેરિકન સરકારે દાવો કર્યો છે કે તેઓ છથી આઠ અઠવાડિયામાં લોકોને પાસપોર્ટ મળી જાય તે માટે પ્રયાસ કરે છેપરંતુ આવું ક્યારે થશે તે કહી શકાય નહીં. 

LEAVE A REPLY

three × two =