નેપાળ અને ચીન દ્વારા વિશ્વના સૌથી ઉંચા પર્વત શિખર – માઉન્ટ એવરેસ્ટની ઉંચાઇની નવેસરથી માપણી પછી સંયુક્ત રીતે મંગળવારે જાહેરાત કરાઈ છે, જે મુજબ તે 8848.86 મીટર ઉંચો છે. નેપાળ સરકારે એવરેસ્ટની સચોટ ઉંચાઇ માપવાનો નિર્ણય કર્યો હતો. એવરેસ્ટની ઉંચાઇ અંગે છેલ્લા કેટલાક વર્ષોથી ચર્ચા થઇ રહી હતી અને એવું માનવામાં આવતું હતું કે, 2015માં આવેલા વિનાશકારી ભૂકંપની સાથે ઘણા અન્ય કારણોને લીધે સંભવતઃ શિખરની ઉંચાઇમાં ફેરફાર થયો છે. નેપાળના વિદેશ પ્રધાન પ્રદીપ ગ્યાવલીએ જણાવ્યું હતું કે, નેપાળે એવરેસ્ટની ઉંચાઇનું નવું માપ કાઢ્યું છે અને તે 8848.86 મીટર છે, જે અગાઉ માપવામાં આવેલી ઉંચાઇ કરતા 86 સેન્ટીમીટર્સ વધુ છે. 1954માં સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા એવરેસ્ટની માપવામાં આવેલી ઉંચાઇ 8,848 મીટર હતી.

એક ખાસ ટીમે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ અને થીઓડોલાઈટ લેઝરની મદદથી એવરેસ્ટની ઉંચાઇ માપી હતી. આ ટીમ એપ્રિલ મહિનાની શરૂઆતમાં ચોમોલુંગમા બેઝ કેમ્પ ખાતે પહોંચી હતી. 1949માં પોતાની સ્થાપના પછી ચીનની સર્વેક્ષણ ટીમે અત્યાર સુધીમાં 6 વાર એવરેસ્ટ પર જઇને ઉંચાઇ માપી છે. ચીને 1975 અને 2005માં એવરેસ્ટની ઉંચાઇ જાહેર કરી હતી. 1975માં તે 8848.13 મીટર અને 2005માં તે 8844.43 મીટર હતી.