Movie Review: Kissi Ka Bhai Kissi Ki Jaan
અભિનેતા સલમાન ખાન, પૂજા હેગડે, ભૂમિકા ચાવલા, શહેનાઝ ગિલ, પલક તિવારી, જગપતિ બાબુ અને અન્ય કલાકારો તેમની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' ના ટ્રેલર લોન્ચ દરમિયાન (ANI Photo)

સલમાન ખાનની નવી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન‘ની લાંબા સમયથી તેના ચાહકો રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે પૂજા હેગડે, શહેનાઝ ગિલ, રાઘવ જુયાલ, સિદ્ધાર્થ નિગમ, પલક તિવારી વગેરે જેવા કલાકારો છે.

આ ફિલ્મની કહાની એવી છે કે, ભાઈજાને (સલમાન ખાન) આજીવન કુંવારા રહીને પોતાના ત્રણ નાના ભાઈઓનું ધ્યાન રાખવાનો નિર્ણય કર્યો છે. પરંતુ જ્યારે તેના જીવનમાં એક સુંદર છોકરીનો પ્રવેશ થાય છે ત્યારે સ્થિતિ બદલાય છે. અહીંથી જ અણધાર્યો વળાંક આવે છે.  આ ત્રણેય ભાઈઓએ તો પોતાની જીવનસંગિની શોધી લીધી છે પરંતુ ભાઈજાન હજી પણ સિંગલ છે. જેથી તેઓ તેમના માટે ‘ભાભી’ શોધવા રાતદિવસ એક કરી રહ્યા છે. આ દરિયાન તેમના જીવનમાં પ્રવેશે છે ભાગ્યલક્ષ્મી (પૂજા હેગડે), જે ભાઈજાન માટે પર્ફેક્ટ મેચ છે. ઉપરાંત તેનું નામ ભાઈજાનની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડના નામ જેવું જ છે. પરંતુ સમસ્યા એ છે કે, પર્ફેક્ટ લાગતી આ જોડીને એક થવાનો માર્ગ સરળ નથી કારણકે ભાગ્યલક્ષ્મીના હૈદરાબાદી પરિવારનો ભૂતકાળ ખરડાયેલો છે.

ફિલ્મની અસલી વાર્તા ઈન્ટરવલ પછી જ શરૂ થાય છે તેમ કહી શકાય. ત્રણ ભાઈઓ લવ (સિદ્ધાર્થ નિગમ), ઈશ્ક (રાઘવ જુયાલ) અને મોહ (જસ્સી ગિલ)ના તેમની પ્રેમિકાઓ અનુક્રમે ચાહત (વિનાલી ભટનાગર), સૂકુન (શહેનાઝ ગિલ) અને મુસ્કાન (પલક તિવારી) સાથેની લવસ્ટોરી જામે છે. ભાઈજાન અને ભાગ્યલક્ષ્મી વચ્ચેની કેમેસ્ટ્રી શરૂઆતમાં ખટકે છે પરંતુ ફિલ્મ આગળ વધે છે તેમ તેની સાથે તાલ બેસતો જાય છે.

આ ફિલ્મમાં અગાઉ ના જોયા હોય તેવા સ્ટાઈલિશ એક્શન સીન જોવા મળે છે. સાઉથ સુપરસ્ટાર વેંકટેશ અને સલમાન ખાનના દમદાર એક્શન સીન જોવાની ખૂબ મજા પડશે. વેંકટેશ ગુંડામનેનીના રોલમાં જોવા મળે છે. પિતૃસત્તાક વ્યવસ્થામાં પોતાના પરિવારને સુરક્ષિત રાખવા કંઈપણ કરી છૂટતા ગુંડામનેની પાત્રમાં તે એકદમ યોગ્ય છે. પૂજા હેગડેએ પોતાના મહત્વના પાત્રને સારી રીતે નિભાવ્યું છે. ફિલ્મના વિલનોમાંથી તેલુગુ એક્ટર જગપતિ બાબુનું પર્ફોર્મન્સ ખૂબ સારું છે.સલમાન ખાન ફરીથી તેના ચાહકો માટે મસાલા ફિલ્મ લઈને આવ્યો છે. ફિલ્મમાં એક્શન સીન્સ અને ભરપૂર ડ્રામા છે.

LEAVE A REPLY

18 − 18 =