નેશનલ બ્લેક પોલીસ એસોસિએશનના નવા વચગાળાના પ્રેસિડેન્ટ ઇન્સ્પેક્ટર એન્ડ્ર્યુ જ્યોર્જે જણાવ્યું હતું કે લેબર સાંસદ ડૉન બટલરને રોકનાર પોલીસ વર્તણુંકના મૂળમાં પ્રણાલીગત જાતિવાદ હતો, જે પોલીસિંગની કાયદેસરતાને નુકસાન પહોંચાડે છે. પોલીસ લીડરશીપે રેસ સાથેની સતત સમસ્યાઓને સ્વીકારવી જોઈએ. શ્યામ લોકોને ગુનેગારો કે ડ્રગ્સના ડીલર તરીકે જોવાની પક્ષપાતી સિસ્ટમમાં તાત્કાલિક સુધારણા કરવાની તેમણે હાકલ કરી હતી.

તેમણે ડૉન બટલરને રોકવા અંગે સવાલ ઉઠાવતા જણાન્યું હતું કે ‘’સ્ટોપ એન્ડ સર્ચ દરમિયાન લોકોને હથકડી લગાવવા જેવી યુક્તિઓ કેટલાકને આઘાત પહોંચાડે છે અને અધિકારીઓમાં ગુંડાગીરીની માનસિકતા હોવાની સમુદાય ધારણા બાંધે છે. ખરેખર સંસ્થાકીય જાતિવાદ જીવંત છે.‘’

ગુરૂવારે, મેટ પોલીસ કમિશ્નર ક્રેસિડા ડિકે જણાવ્યું હતું કે, પોલીસ ફોર્સ હવે સંસ્થાકીય રીતે જાતિવાદી નથી. પરંતુ જ્યોર્જ તેમની સાથે અસંમત થયા હતા.

જ્યોર્જે અધિકારીઓ “નમ્ર” હોવા બદલ પ્રશંસા કરી હતી. પરંતુ સ્ટોપ એન્ડ સર્ચ સિસ્ટમ અને પ્રક્રિયાઓ અંગે વિરોધ કર્યો હતો. આ મૂળમાં એક પક્ષપાતી પ્રણાલી છે જે શ્યામ લોકોને ગુનેગારો અથવા ડ્રગ ડીલર તરીકે જુએ છે. નેશનલ બ્લેક પોલીસ એસોસિએશનની સ્થાપના 1999માં કરવામાં આવી હતી.