
હેમ્પસ્ટેડ અને હાઇગેટનું પ્રતિનિધિત્વ કરતા બ્રિટિશ સાંસદ ટ્યૂલિપ સિદ્દીકને બાંગ્લાદેશની કોર્ટ દ્વારા તેમના માસી અને બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીના સાથે જોડાયેલા ભ્રષ્ટાચારી જમીન સોદામાં કથિત સંડોવણી બદલ બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેમણે કોર્ટના નિર્ણયની નિંદા કરી છે. સોમવારે સિદ્દીકની ગેરહાજરીમાં આપવામાં આવેલા ચુકાદામાં 100,000 બાંગ્લાદેશી ટાકાનો દંડ ફટકારવામાં આવ્યો હતો, અને જો દંડ ન ભરાય તો વધારાની છ મહિનાની જેલની સજા પણ ફટકારવામાં આવી હતી.
કોર્ટે ચુકાદો આપ્યો હતો કે સિદ્દીકે કથિત રીતે યુકેના રાજકારણી તરીકે તેમના “ખાસ પ્રભાવ”નો ઉપયોગ કરીને હસીના પર તેમની માતા શેખ રેહાના અને અન્ય સંબંધીઓને કિંમતી જમીન ફાળવવા દબાણ કર્યું હતું. રેહાનાને સાત વર્ષની સજા ફટકારવામાં આવી હતી, જ્યારે હસીનાને ગયા મહિને માનવતા વિરુદ્ધના ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા જેઓ હાલ ભારતમાં નિર્વાસિત છે.
સિદ્દીકીએ આ કાર્યવાહીને રાજકીય રીતે પ્રેરિત ગણાવી હતી અને હસીના પરિવાર પર નવી બાંગ્લાદેશી સરકારના કડક પગલાંમાં પોતાને “કોલેટરલ ડેમેજ” ગણાવી હતી.
સિદ્દીકીએ કહ્યું હતું કે “આ કાંગારૂ કોર્ટનું પરિણામ અનુમાનિત અને ગેરવાજબી છે. મારી સામે રજૂ કરાયેલા પુરાવા બનાવટી હતા અને મને ક્યારેય ઔપચારિક રીતે આરોપો વિશે જાણ કરવામાં આવી નથી.’’
આરોપીઓને બચાવ પક્ષના વકીલોનો ઍક્સેસ નકારી કાઢવામાં આવ્યો હતો. તેમનું પ્રતિનિધિત્વ કરવાનો પ્રયાસ કરનાર એક વકીલે ધાકધમકી અને નજરકેદનો આરોપ લગાવ્યો હતો. યુકેની બાંગ્લાદેશ સાથે કોઈ પ્રત્યાર્પણ સંધિ નથી, જેના કારણે સિદ્દીક સજા ભોગવે તેવી શક્યતા ઓછી છે.
ભૂતપૂર્વ જસ્ટીસ સેક્રેટરી રોબર્ટ બકલેન્ડ અને ડોમિનિક ગ્રીવ સહિત અગ્રણી બ્રિટિશ લીગલ લીડર્સ શેરી બ્લેરે ગયા અઠવાડિયે બાંગ્લાદેશના રાજદૂતને પત્ર લખીને આ કેસને “કૃત્રિમ, કાલ્પનિક અને અન્યાયી” ગણાવ્યો હતો.
લેબર પાર્ટીએ પણ ચુકાદાને નકારી કાઢી કહ્યું હતું કે સિદ્દીક મૂળભૂત કાનૂની અધિકારોથી વંચિત છે અને વારંવાર વિનંતીઓ છતાં તેમને ન્યાયી પ્રક્રિયા મળી નથી.
સિદ્દીકે આ વર્ષની શરૂઆતમાં ટ્રેઝરી મિનિસ્ટર તરીકે રાજીનામું આપ્યું હતું પરંતુ યુકે મિનિસ્ટ્રીયલ કોડ હેઠળ ગેરવર્તણૂક બાબતે તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.













