મુંબઈમાં 26 નવેમ્બર 2008 (26-11)ના રોજ આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ સાજિદ મીરની પાકિસ્તાનમાં કથિત ધરપકડ કરાઈ છે. એફબીઆઈએ સાજિદ મીરને ‘મોસ્ટ વોન્ટેડ’ આતંકી જાહેર કર્યો છે. અમેરિકન એજન્સીએ મીર વિરુદ્ધ વિદેશી સરકારની સંપત્તિને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડવા, આતંકીઓને મદદ કરવા, અમેરિકા બહાર તેના નાગરિકની હત્યા કરવા અને જાહેર સ્થળો પર બોમ્બ વિસ્ફોટ કરવાના આરોપમાં ‘મોસ્ટ વોન્ટેડ’ જાહેર કર્યો હતો.
મુંબઈ હુમલામાં મૃત્યુ પામેલાઓમાં 166 લોકોમાંથી છ અમેરિકન નાગરિક હતા. એફબીઆઈએ મીરની ધરપકડ અને તેની માહિતી આપનારને ૫૦ લાખ ડોલરનું ઈનામ જાહેર કર્યું હતું. પાકિસ્તાને હંમેશા સાજિદ મીરની હયાતીનો ઈનકાર કર્યો છે. પાકિસ્તાને તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે સાજિદ મીર માર્યો ગયો છે. પરંતુ હવે પાકિસ્તાન ગંભીર આર્થિક સંકટમાં આવી ગયું છે અને એફએટીએફ પાસેથી રાહતની આશા રાખી રહ્યું છે એવામાં તે પોતાના પર લાગેલા આતંકને પોષતું હોવાનું કંલક દૂર કરવા ઇચ્છે છે. સાજિદ મીર પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા માટે કામ કરતો હતો. સાજિદ મીર સાથે મળીને તોયબાએ આઈએસઆઈની મદદ અને સમર્થનથી મુંબઈમાં બોમ્બ વિસ્ફોટ કર્યા હતા. આતંકીઓ મુંબઈમાં હતા ત્યારે સાજિદ મીર પાકિસ્તાનમાં તેમનો કંટ્રોલર હતો અને તમામ માહિતી આપતો હતો.
મીર અંગે વધુ માહિતી નથી, પરંતુ અમેરિકન એજન્સીઓનું માનવું છે કે તે ૨૦૦૧થી તોયબાનો ટોચનો આતંકી રહ્યો છે.