એશિયા

એક સર્વે મુજબ મુંબઇ એશિયાનું સૌથી ખુશ શહેર જાહેર થયું છે. ટાઈમ આઉટ દ્વારા કરવામાં આવેલા આ નવા સર્વેમાં 2025 માટે એશિયાનું સૌથી ખુશ શહેર જાહેર કરવામાં આવ્યા છે. આ વાર્ષિક સર્વેમાં મુખ્ય શહેરોના 18,000થી વધુ રહેવાસીઓનો અભિપ્રાય જાણવામાં આવ્યો હતો. આ શહેરવાસીઓના આસપાસના વિસ્તારો, જીવનશૈલી અને સમુદાયો વિશેના અનુભવોને પણ જાણવામાં આવ્યા હતા. સર્વેમાં જે લોકોએ ભાગ લીધો હતો તેમણે સંસ્કૃતિ, ભોજન, નાઇટલાઇફ અને જીવનની એકંદર ગુણવત્તા સહિતના અનેક મુદ્દાઓના આધારે તેમના શહેરોનું મૂલ્યાંકન કર્યું હતું. મુંબઈના 94 ટકા રહેવાસીઓએ કહ્યું કે તેમનું શહેર તેમને ખુશી આપે છે, જેના કારણે તે આ વર્ષે એશિયાનું મોખરાનું શહેર જાહેર થયું છે. સર્વેમાં વધુમાં જણાયું હતું કે, 89 ટકા સ્થાનિક લોકો અગાઉ જ્યાં રહેતા હતા તેના કરતાં મુંબઈમાં તેઓ વધુ ખુશી અનુભવે છે. 88 ટકા લોકો માને છે કે શહેરના લોકો ખુશ દેખાય છે. 87 ટકા લોકો માને છે કે તાજેતરના સમયમાં શહેરની ખુશીમાં વધારો થયો છે. નિષ્ણાતોના અભિપ્રાય મુજબ, મુંબઈનો જીવંત સમાજ, સમૃદ્ધ મનોરંજન ઉદ્યોગ, કારકિર્દીની તકો અને સ્ટ્રીટ ફૂડની સંસ્કૃતિને આવી ખુશી માટે જવાબદાર પરિબળ માનવામાં આવે છે.

એશિયાના મોખરાના દસ સૌથી ખુશ શહેર

1. મુંબઇ
2. બીજિંગ, ચીન
3. શાંઘાઇ, ચીન
4. ચિઆંગ માઇ, થાઇલેન્ડ
5. હેનોઇ, વિયેતનામ
6. જકાર્તા, ઇન્ડોનેશિયા
7. હોંગકોંગ
8. બેંગકોક, થાઇલેન્ડ
9. સિંગાપોર
10. સીઉલ, સાઉથ કોરીયા

LEAVE A REPLY