Mumbai: Vehicles ply on a waterlogged street during heavy rains, at Byculla area in Mumbai, Wednesday, Aug. 5, 2020. (PTI Photo)(PTI05-08-2020_000243B)

મુંબઈમાં મનમૂકી વરસી રહેલા મેઘરાજા આજે સળંગ બીજો દિવસ પણ મૂશળધાર વરસ્યો હતો. મુંબઈમાં બુધવારે લગભગ ૧૦ ઇંચ વરસાદ વરસ્યો હતો. શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણથી કેડ સુધી પાણી ભરાયા હતા. વાહનવ્યવહાર તથા બેસ્ટની બસોને રસ્તામાં પાણી ભરાવાના પગલે અન્ય માર્ગે વાળવી પડી હતી. રેલવેની ત્રણેય રૃટની ઉપનગરીય સેવા ખોંડવાઈ હતી. વૃક્ષો અને ઘર તૂટી પડવા, ભીત પડવા શોર્ટસર્કીટના બનાવ બન્યા હતા. આ દુર્ઘટનામાં બે જખ્મી થયા હતા. વરસાદમાં બેસ્ટ ઉપક્રમની લગભગ ૩૩ બસ બ્રેક ડાઉન થઈ હતી.

સુંસવાટા ભેર પવન સાથે વરસાદ વરસતો હોવાથી અનેક ઠેકાણે ઘરોના છાપરા ઊડી ગયા હતા.જે.જે. હોસ્પિટલમાં પાણી ભરાયા હતા. ગીરગામ ચોપાટીનો માર્ગ પણ પાણી હેઠળ હતો. આમ મુંબઈના અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા. મુંબઈમાં પીવાનું પાણીનો પુરવઠો જળાશયો પૈકી વિહાર જળાશયમાં નોંધપાત્ર વરસાદ વરસતાં પાણીની સપાટી ઉપર આવી છે. આથી હવે વિહાર જળાશય છલકાવવાની સપાટીથી અડધો મીટર છેટુ છે. તે ગમે ત્યારે છલકાઈ જાય એવી સ્થિતિ છે.

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર આવતીકાલે પણ ભારેથી અતિભારે વરસાદ વરસે સાથે સુંસવાટાભેર પવન ફૂંકાવાની આગાહી કરી છે. સમુદ્રમાં મોજા ખૂબ જ ઊંચે ઉછળતા હતા. સમુદ્રનું પાણી ઉછળીને ગિરગામ ચોપાટીના રસ્તા પર આવ્યું હતું. આથી ત્યાં વસતા અનેક લોકોમાં ભય પણ ફેલાયો હતો. મૂશળધાર વરસાદને લીધે મુંબઈના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આથી પાલિકાએ પાણીનો કિાલ કરવા માટે લગભગ 180 વધુ ઠેકાણે પાણી ખેંચવાના પમ્પ શરૃ કર્યા હતા.

તેમજ છ છેકાણે કાર્યરત પમ્પિગ સ્ટેશનના પમ્પો પણ પાણી ખેંચીને નિકાલ કરતાં હતા. છતાં હિંદમાતા, સાયન, કિંગસર્કલ, માટુંગા, ગાંધી માર્કેટ, દાદર ટી.ટી., લોઅર પરેલ, ભાખલા – ભિંડીબજાર, ચુનાભઠ્ઠી બંદર ભવન, પોસ્ટલ કોલોની, નાનાચોક, સી.એમ.ટી. કુર્લા, માનખુર્દ, ઠાકુર દ્વાર નાકા, જે. જે. જંક્શન, જે જે હોસ્પિટલમાં ગોળદેવળ અંધેરી સબવે, મિલન સબવે, દહીંસર સબવે, બાંદરા નેશનલ કોલેજ, ભાડુંપ અને મુલુંડમાં પાણી ભરાયા હતા. પાણી ઘૂંટણથી કેડ સમા ભરાયા હતા. અનેક ઠેકાણે રસ્તા પર પાણી ભરાયા હોવાથી વાહન વ્યવહાર તેમજ બેસ્ટ ઉપક્રમની અનેક બસોને અન્ય માર્ગે વાળીને પસાર કરવામાં આવી હતી.

રસ્તા પર અનેક ઠેકાણે પાણી ભરતા અનેક વાહનો ખોરવાઈ ગયા હતા. બેસ્ટ ઉપક્રમની 33 બસો બ્રેક ડાઉન થઈ હતી. ભારે વરસાદના કારણે મધ્ય રેલવે અને હાર્બર રેલવે સેવાના પાટા પર પાણી ભરાયા હતા. આથી આ બન્ને રૃટની સેવા ખોરવાઈ હતી. જ્યારે પશ્ચિમ રેલવેમાં માહિમ, ચર્નિરોડ અને મરીનલાઈન્સ ખાતે પાટા નજીક આવેલા વૃક્ષો તૂટી પડતાં તે ઓવરહેડ વાયર પડતાં પશ્ચિમ રેલવેની સેવા ખોરવાઈ હતી.

રખડી પડેલા પ્રવાસીઓને હંગામી ધોરણે ત્યાં નજીકમાં આવેલી પાલિકાની શાળામાં આશ્રય અપાયો હતો. શહેરમાં છ ઠેકાણે ઘર અને દિવાલ તૂટી પડવાની ઘટના બની હતી. જેમાં તળમુંબઈમાં ૩ અને પૂર્વ ઉપનગરમાં ત્રણ ઠેકાણેનો સમાવેશ થાય છે. ભાડુંપ (પ.) સ્થિત ભાડુંપ ગાંવ, અંજના એસ્ટેટ ચાલમાં એક માળ ધરાવતા ઘરની ગેલેરી તૂટી પડી હતી. જેથી બે જણ જખમી થયા હતા. તેઓને નજીકમાં આવેલી એમ. ટી. અગ્રવાલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપીને હોસ્પિટલથી ઘરે જવા દેવાયા હતા, એમ પાલિકાના કંટ્રોલ રૃમે જણાવ્યું હતું.

શહેર ભરમાં 142 ઠેકાણે વૃક્ષો મૂળથી ઉખડીને ધરાશાયી થયા હતા. તળમુંબઈમાં 113, પૂર્વ ઉપનગરમાં 16 , પશ્ચિમ ઉપનગરમાં 13 વૃક્ષ તૂટી પડયા હતા. શહેરભરમાં 10 ઠેકાણે શોર્ટ સર્કિટના બનાવ બન્યા હતા. આ સિવાય મિઠી નદી કિનારે આવેલા ક્રાંતિનગર ખાતે એન. ડી. આર. ટુકડીને તહેનાત કરવામાં આવી હોવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું. શહેરને પાણી પુરવઠો પૂરો પાડતાં જળાશયો પૈકી મુંબઈમાં આવેલા વિહાર જળાશય છલકાવવાની સપાટીથી માત્ર અડધો મીટર છેટુ છે.