. (Photo by Brad Barket/Getty Images for Fast Company)

માઈક્રોસોફ્ટના ભારતીય મૂળના સીઈઓ સત્યા નાદેલા કંપનીએ હવે બોર્ડ ચેરમેન બનાવ્યા છે. તેઓ ચેરમેન તરીકે જોન થોમ્પસનનું સ્થાન લેશે. આ પ્રમોશનને પગલે વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર કંપનીમાં 53 વર્ષીય નાદેલાના પ્રભાવમાં વધારો થશે.

સત્યા નાદેલા 2014ના વર્ષમાં માઈક્રોસોફ્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) બન્યા હતા. સીઇઓ તરીકે તેમણે લિન્ક્ડઇન, ન્યૂયાન્સ કોમ્યુનિકેશન્સ અને ઝેનીમેક્સ જેવી અનેક કંપનીઓની ખરીદીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે થોમ્પસન હવે લીડ ઈન્ડિપેન્ડેન્ટ ડાયરેક્ટર રહેશે. 2014ના વર્ષમાં થોમ્પસન બિલ ગેટ્સ બાદ માઈક્રોસોફ્ટના ચેરમેન બન્યા હતા. માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ હવે કંપનીના બોર્ડમાં નથી અને તેઓ બિલ અને મેલિન્ડા ગેટ્સના પરોપકારી કાર્યો પર ધ્યાન આપી રહ્યા છે.

સત્યા નાદેલાનો જન્મ 1967માં ભારતના હૈદરાબાદ ખાતે થયો હતો. તેમના પિતા એક સરકારી અધિકારી અને માતા સંસ્કૃતના લેક્ચરર હતા. હૈદરાબાદ પબ્લિક સ્કુલમાંથી પ્રારંભિક શિક્ષણ મેળવ્યા બાદ 1988માં તેમણે મણિપાલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી ખાતે ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને પછી કોમ્પ્યુટર સાયન્સમાં એમએસ કરવા માટે તેઓ અમેરિકા ગયા હતા. તેમણે 1996માં શિકાગોની બૂથ સ્કુલ ઓફ બિઝનેસ ખાતેથી એમબીએ કર્યું હતું.