(Photo by MANJUNATH KIRAN/AFP via Getty Images)

ઇન્ફોસિસના સહ-સ્થાપક એનઆર નારાયણમૂર્તિએ શરૂ કરેલી પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ કંપની કેટમરાન ઇ-કોમર્સ કંપની ઉડાનમાં હિસ્સો ખરીદવાની મંત્રણા કરી રહી છે, એમ આ ગતિવિધિથી માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું.

કેટમરાન આ હિસ્સેદારી ઉડાનના કેટલાંક કર્મચારીઓ પાસેથી ખરીદશે. ઉડાન – એક ઇ-કોમર્સ કંપની છે, જે બિઝનેસ – ટુ – બિઝનેસ સેવાઓ પુરી પાડે છે. ઘટનાક્રમ સાથે સંકળાયેલા ત્રણ વ્યક્તિઓએ જણાવ્યુ કે, ઉડાનના ત્રણ કર્મચારીઓ કંપની તરફથી મળેલા સ્ટોક ઓપ્શનનો ઉપયોગ કરવા ઇચ્છે છે.

કેટમરાન ઉડાનમાં 2-3 હિસ્સેદારી હાંસલ કરી શકે છે. નવા રોકાણકારોને 28 કરોડ ડોલરનું ભંડોળ એક્ત્ર કર્યુ હતુ ત્યારે ઉડાનનું વેલ્યુએશન 3.2 બિલિયન ડોલર આંકવામાં આવ્યું હતું.

ઉડાન અત્યાર સુધીમાં રોકાણકારો પાસેથી 1.15 બિલિયન ડોલરનું ભંડોળ એક્ત્ર કરી ચૂકી છે. જાન્યુઆરીમાં ઉડાન સાથે 30 લાખ રિટેલ તેમજ નાના અને મધ્યમ કદના બિઝનેસ જોડાયા હતા. તેની હરિફ કંપનીઓમાં ઇન્ડિયામાર્ટ, એમેઝોન બિઝનેસ, જિયો માર્ટ અને ફ્લિપકાર્ટ છે.