પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં વર્ષ 2020માં ઓનલાઈન (ડિજિટલ) પેમેન્ટના કુલ 25.5 બિલિયન ડોલરના ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા, જે વિશ્વના કોઇપણ દેશમાં થયેલા ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરતાં સૌથી વધુ છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનના મુદ્દે ભારતે ચીન-અમેરિકા જેવા દેશોને પણ પાછળ રાખી દીધા હતા.

બ્રિટન સ્થિત એજન્સી એસીઆઈ વર્લ્ડવાઈડે જગતભરમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અંગે રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ રિપોર્ટ પ્રમાણે 2020 દરમિયાન ચીનમાં 15.7 બિલિયન ડોલર, દક્ષિણ કોરિયામાં 6 બિલિયન ડોલર, થાઈલેન્ડમાં 5.2 બિલિયન ડોલર અને બ્રિટનમાં 2.8 બિલિયન ડોલરના ટ્રાન્ઝેક્શન થયા હતા. અમેરિકા 1.2 બિલિયન ડોલરના ટ્રાન્ઝેક્શન સાથે લિસ્ટમાં નવમા ક્રમે હતું. આ આંકડા રિઅલ ટાઈમ ઓનલાઈન પેમેન્ટના છે.

કેશ અને ચેક ઉપરાંત હવે પેમેન્ટ માટેનો ત્રીજો મજબૂત વિકલ્પ જગતને મળી ગયો છે. 69 પાનાંના રિપોર્ટ પ્રમાણે ચાર વર્ષમાં (2025 સુધીમાં) ભારતમાં 70 ટકાથી વધારે પેમેન્ટ ઓનલાઈન થતું હશે. 2025 સુધીમાં 857.7 બિલિયન ડોલરના ઓનલાઇન ટ્રાન્ઝેક્શન થવાનો અંદાજ છે. ભારતમાં આ મોટા ભાગના પેમેન્ટ પેટીએમ, ફોનપે, રેઝરપે, ભારતપે અને અન્ય એપ દ્વારા થયા હતા. આ એપ્સમાં ઓનલાઈન પેમેન્ટ વખતે કેશ બેક અને અન્ય વળતર અપાતા હોવાથી યંગ જનરેશન તેનો વધારે ઉપયોગ કરે છે.