રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર રવિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારોહ દરમિયાન નવા શપથ ગ્રહણ કરેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય પ્રધાનમંડળ સાથે ગ્રૂપ ફોટા માટે પોઝ આપ્યો હતો. . (ANI Photo)
નરેન્દ્ર મોદીએ રવિવાર, 9 જૂને સાંજે 7.15ના વાગ્યે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિભવનના પ્રાંગણમાં ભવ્ય સમારંભમાં સતત ત્રીજી ટર્મ માટે વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરી દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના વિક્રમની બરોબરી કરી હતી. 73 વર્ષીય વડાપ્રધાન મોદીએ તેમની કેબિનેટમાં સાતત્ય અને અનુભવ પર ભાર મૂકી ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ના ભાગીદારો પક્ષોને પ્રતિનિધિત્વ આપ્યું છે. પાંચ સહયોગી પક્ષોમાંથી પ્રત્યેકને એક-એક કેબિનેટ પ્રધાનનો હોદ્દો આપવામાં આવ્યો છે.
વડાપ્રધાન મોદીની સાથે 30 કેબિનેટ પ્રધાનો સાથે કુલ 72 પ્રધાનોએ શપથ લીધા હતાં. સ્વતંત્ર હવાલા સાથે પાંચ સાંસદો અને રાજ્યકક્ષાના પ્રધાન તરીકે 36 સાંસદોએ શપથ લીધાં હતાં.
મોદીની સાથે રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારામન અને એસ જયશંકર સહિતના ભાજપના  વરિષ્ઠ નેતાઓએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતાં. મોદી 2.0 કેબિનેટમાં પણ આ તમામ નેતાઓ સામેલ હતાં.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોદી અને 30 કેબિનેટ મંત્રીઓને ગુપ્તતા અને પદના શપથ લેવડાવ્યા હતા. સફેદ કુર્તા અને વાદળી ચેકર્ડ જેકેટમાં સજ્જ મોદીએ ઇશ્વરના નામે શપથ લીધા હતાં. જવાહરલાલ નેહરુ પછી મોદી સતત ત્રીજી વખત સત્તા મેળવનારા દેશના બીજા વડાપ્રધાન બન્યા છે.
તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપને એકલાથ હાથે સાદી બહુમતી મળી ન હતી. તેનાથી તે સાથી પક્ષો પર નિર્ભર છે. ભાજપના પાંચ સાથી પક્ષોમાંથી પ્રત્યેકને કેબિનેટ પ્રધાનપદ મળ્યું છે. તેમાં JD(S) નેતા એચડી કુમારસ્વામી, HAM (સેક્યુલર)ના વડા જીતન રામ માંઝી, જેડી(યુ)ના નેતા રાજીવ રંજન સિંહ ‘લલન’, ટીડીપીના કે રામ મોહન નાયડુ અને એલજેપી-આરવીના નેતા ચિરાગ પાસવાનનો સમાવેશ થાય છે. કુમારસ્વામી અને માંઝી અનુક્રમે કર્ણાટક અને બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની પાંચ વર્ષ પછી કેબિનેટમાં વાપસી થઈ છે, જ્યારે મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટર મોદી કેબિનેટમાં નવા ચહેરા બન્યાં છે.
ભાજપના નેતાઓ પીયૂષ ગોયલ, જ્યોતિરાદિત્ય સિંધિયા, ધર્મેન્દ્ર પ્રધાન અને ભૂપેન્દ્ર યાદવ, જેઓ અગાઉ રાજ્યસભામાં હતા, પરંતુ હવે લોકસભામાં ચૂંટાઈ આવ્યા છે, તેઓને પ્રધાન તરીકે જાળવી રાખવામાં આવ્યા છે.
આસામના ભૂતપૂર્વ સીએમ સર્બાનંદ સોનોવાલ, અશ્વિની વૈષ્ણવ, વીરેન્દ્ર કુમાર, પ્રહલાદ જોશી, ગિરિરાજ સિંહ, જુઆલ ઓરામ, સી આર પાટીલ (ગુજરાત ભાજપના અધ્યક્ષ), મનસુખ માંડવિયા, જી કિશન રેડ્ડી, હરદીપ સિંહ પુરી, કિરેન રિજિજુ, અન્નપૂર્ણા દેવી અને ગજેન્દ્ર સિંહ શેખાવત સહિતના ભાજપના નેતાઓએ કેબિનેટ પ્રધાનો તરીકે શપથ લીધા હતાં.
સમારંભમાં કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે હાજર હતાં, જોકે ઘણા વિપક્ષી નેતાઓએ સમારોહમાં ભાગ લીધો ન હતો.
શપથ ગ્રહણ સમારોહ પહેલા મોદીએ સંભવિત પ્રધાનો સાથે બેઠક કરી હતી અને જણાવ્યું હતું કે લોકોની મોટી અપેક્ષાઓ છે અને દરેકે લોકોની અપેક્ષા પૂરી કરવી પડશે. નમ્ર બનો કારણ કે સામાન્ય લોકો નમ્ર લોકોને પ્રેમ કરે છે તથા પ્રમાણિકતા અને પારદર્શિતા સાથે ક્યારેય સમાધાન કરતા નથી.
આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ, ટીડીપી પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુ અને જેડી(યુ)ના વડા નીતિશ કુમાર હાજર હતા. બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન અને રજનીકાંત તેમજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા.
સમારોહમાં વિશેષ અતિથિ તરીકે માલદીવના પ્રેસિડન્ટ મોહમ્મદ મુઇઝુ, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’, શ્રીલંકાના પ્રેસિડન્ટ રાનિલ વિક્રમસિંઘે, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ, ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગે અને સેશેલ્સના વાઇસ પ્રેસિડેન્ટ અહેમદ અફીફ ઉપસ્થિત રહ્યાં હતાં.
રાજકીય નેતાઓ અને સમાજના વિવિધ વર્ગના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઉપરાંત, ટ્રાન્સજેન્ડર સમુદાયના સભ્યો તેમજ નવી સંસદ ભવનનાં નિર્માણ સાથે સંકળાયેલા સફાઈ કામદારો અને મજૂરોએ પણ મોદી અને નવા પ્રધાનમંડળના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં લગભગ 9,000 લોકો હાજર રહેવાનો હોવાનો અંદાજ છે.

LEAVE A REPLY