ગુજરાતમાં ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિ તેજી બની છે. 18 મેએ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ ખોડલધામના વડા અને પાટીદાર નેતા નરેશ પટેલ સાથે બેઠક યોજી હતી. નરેશ પટેલ કોંગ્રેસમાં જશે કે ભાજપમાં આ ચર્ચા શરું થઈ તેના લગભગ ત્રણ મહિના થઈ ગયા છે પરંતુ તેઓ નિર્ણય કરી શકતા નથી.

આ અવઢવ વચ્ચે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર તેમજ પરેશ દાનાણી, અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓએ નરેશ પટેલ સાથે બેઠક યોજી હતી. કોંગ્રેસના આ પ્રયાસો સ્પષ્ટ કરે છે કે તેઓ પટેલ સમાજના આગેવાન નરેશ પટેલને પક્ષમાં જોડાવા માટે પ્રયાસો તેજ કરી રહ્યા છે. બીજી તરફ નરેશ પટેલે હજુ સુધી મગનું નામ મરી પાડ્યું નથી તો આ બેઠક બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે નરેશભાઈ સમાજના મોભી વ્યક્તિ છે અને તેથી તેમને મળવા તેમજ ફક્ત ચા પીવા માટે આવ્યા હતા. જોકે નરેશ પટેલના રાજકરણમાં જોડવાની વાતનો તેમણે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો.

સૌરાષ્ટ્ર પાટીદાર મતદારો ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આ મતબેંકને લઈને દરેક રાજકીય પક્ષો પછી તે ભાજપ હોય કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી પાટીદાર સમાજના દિગ્ગજ નેતાને પોતાના પક્ષે કરવા માટે તલપાપડ છે.