ગુજરાતના મેમાણા ગામમાં જન્મેલા અને મૂ ગામ રંગપુરના વતની અને ઘણાં વર્ષો સુધી કેન્યામાં રહ્યા બાદ લંડનમાં વસતા શ્રીમતી નર્બદાબેન લક્ષ્મણભાઇ છત્રાલીયાનું તા. 10 જાન્યુઆરી 2021ના ​​રોજ તેમના નિવાસ સ્થાને નિધન થયું હતું. નર્બદાબેન ફક્ત તેમના પરિવાર માટે જ નહીં પરંતુ કેટલાય લોકો માટે પ્રેરણા અને શક્તિના આધારસ્તંભ હતા જે સૌને દુ:ખદ ખોટ સાલશે.

નર્બદાબેન ભારતથી પરિવાર સાથે કેન્યા ગયા હતા અને તેઓ નાની ઉંમરે વિધવા બન્યા હતા. આફ્રિકામાં પરિસ્થિતી બગડતા 1970ના દાયકામાં તેમના બાળકો માટે નવું ભાવિ બનાવવા માટે તેઓ સપરિવાર યુકે આવ્યા હતા.

નર્બદાબેન પોતાના સંસ્કાર, વ્હાલ અને પ્રેમનો એક મોટો વારસો છોડી ગયા છે. તેમણે પોતાના બાળકો જ નહિં ગ્રાન્ડ ચિલ્ડ્રનને બાળપણથી જ ભારતીય શાસ્ત્રો, ખાસ કરીને રામાયણ અને શ્રીમદ્ ભાગવતમની વાર્તાઓ સાંભળવીને અને સુંદર કાંડ અને સત્યનારાયણ કથાના પાઠ કરા સંસ્કાર સાથે ધાર્મિક સિંચન કર્યું હતું.

તેમણે બાળકોમાં રોપેલા આધ્યાત્મિક મૂલ્યો જીવનમાં હરેક પળે મદદ કરવા માટે પ્રકાશના દીવા તરીકે રહ્યા છે. તેઓ કહેતા કે સંપત્તિનું સાચું માપ એ તમારા જીવનમાં જે વસ્તુઓ છે તે છે જેને તમે કદી પૈસા વડે ખરીદી શકતા નથી. નર્બદાબેનનું જીવન નિસ્વાર્થતા, સરળતા અને સેવાનો સંદેશ હતો. તેઓ બગીચામાં આવતા પ્રાણીઓ અને પક્ષીઓ માટે દરરોજ ખોરાક છોડવા માટે પ્રોત્સાહિત કરતા અને ગાયોને ખવડાવવાનું પસંદ કરતાં.

તેમણે તેમના ચાર પૌત્રોને યુનિવર્સિટીમાંથી સ્નાતક કરવા પ્રેરણા આપી હતી અને તેમના પૌત્ર ધૃવ છત્રાલિયાને યુકેની સંસદમાં ભગવદ ગીતા, રામાયણ, હનુમાન ચાલીસા, શ્રીમદ ભાગવતમ, શ્રી સુક્તમ અને દેવી મહાત્મ્યના વ્યાખ્યાન કરવા માટે પ્રેરણા આપી હતી.  ધૃવે જ્યારે ભગવદ્ ગીતા વિષે 140 પ્રવચનોની યાત્રા પૂર્ણ કરી ત્યારે નર્બદાબાની આંખોમાં આંસુ આવી ગયા હતા. ધૃવ કહે છે કે ‘’હું બાના ખોળામાં બેસીને આધ્યાત્મિક શાસ્ત્રો અને કથા વાર્તાઓ સાંભળીને મોટો થયો હતો અને હવે તે જ કથા, વાર્તાઓ અને શાસ્ત્રો હું વિશ્વમાં લોકોને સંભળાવું છું ત્યારે મને લાગે છે કે હજુ હું બાના એજ ખોળામાં  બેસીને દુનિયાને સંભળાવી રહ્યો છું. અમે ભગવાન શ્રી રામને પ્રાર્થના કરીએ છીએ કે અમે સમૃદ્ધ વૈદિક મૂલ્યોની જાળવણીનો તેમનો વારસો ચાલુ રાખી શકીએ અને તેઓ હંમેશાં અમારા બધા પર આશીર્વાદ વરસાવતા રહે.

નર્બદાબેનને શ્રધ્ધાંજલિ આપતાં અને તેમના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરતાં ઘણા સંદેશાઓ મળતા છત્રાલીયા પરિવાર અભિભૂત થઈ ગયો હતો. તેઓ પુત્રો મનસુખભાઇ, નરેશભાઇ, પુત્રીઓ ઉર્મિલાબેન અને ભારતીબેન તેમજ વિશાળ પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે.

ફક્ત વોટ્સએપ સંદેશ સંપર્ક : મનસુખભાઇ +44 7936 067 328 અને નરેશભાઇ +44 7966 377 203.