પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કોરોનાવાયરસ રોગચાળો શરૂ થયો ત્યાર પછી આજે પહેલી વખત પોઝીટીવ કોવિડ ટેસ્ટીંગના 28 દિવસની અંદર યુકેમાં સૌથી વધુ 1,564 લોકો મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે. જેને કારણે કોવિડના કારણે મૃત્યુ પામનાર લોકોની કુલ સંખ્યા 84,767 પર પહોંચી છે. પરંતુ અન્ય આંક મુજબ યુકેમાં કોવિડ સાથે સંકળાયેલા મૃત્યુની સંખ્યા 100,000થી વધુ છે.

છેલ્લા 7 દિવસમાં કોવિડ-19ના કારણે સરેરાશ 1,060 લોકો દૈનિક ધોરણે મરણ પામ્યા છે. બીજી તરફ આજે તા. 13ના રોજ વધુ 47,525 નવા કેસ પણ નોંધાયા છે. આ અગાઉ સૌથી વધુ દૈનિક મૃત્યુનો આંક શુક્રવાર તા. 8ના રોજ નોંધાયો હતો. ત્યારે 1,325 લોકોનાં મોત થયાં હતાં.

પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના મેડિકલ ડિરેક્ટર ડૉ. ઇવોન ડોયલે જણાવ્યું હતું કે ‘’હવે બીજા મોજામાં પહેલા કરતા વધુ મોત થઇ રહ્યાં છે. દરેક પસાર થતા દિવસની સાથે, વધુને વધુ લોકો દુ:ખદ રીતે આ ભયંકર વાયરસથી પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. હાલમાં જરૂરી છે કે આપણે ઘરે જ રહીએ, અન્ય લોકો સાથે સંપર્ક ઓછો કરીએ અને જાણે તમને વાયરસ છે તેવું જ વર્તો.”

વડા પ્રધાને લોકોને લોકડાઉન નિયમોનું પાલન કરવા અપીલ કરતા ચેતવણી આપી હતી કે ICU ની ક્ષમતા “ઓવરટેપ્ડ” થવાનું “ખૂબ નોંધપાત્ર” જોખમ રહેલું છે. કૉમન્સ લાયેઝન કમીટી સાથે વાત કરતાં બોરીસ જોન્સને કહ્યું કે હતું કે ‘’એનએચએસમાં પરિસ્થિતિ “ખૂબ જ અતિ કઠિન” છે અને કર્મચારીઓ ઉપર “ભારે” તાણ હતી. અમે બાબતોની સતત સમીક્ષા કરીએ છીએ. જો પ્રતિબંધોને કડક બનાવવાની જરૂર હોય તો હું તેને નકારી શકું નહીં. અમે જે લોકડાઉનનાં પગલાં લીધાં હતાં તેણે પ્રભાવની નિશાનીઓ બતાવવાનું શરૂ કરી દીધું છે. ફેબ્રુઆરીના મધ્ય પછી શાળાઓ ફરી શરૂ થઈ શકે છે કે કેમ તે કહેવું ખૂબ જ વહેલું છે. પ્રગતિ મેળવવા ખૂબ જ સખત મહેનત કરવી પડશે. મંગળવારે તા. 12ના રોજ વધુ 207,661 લોકોને રસી આપવા સાથે રસી મેળવનાર કરુલ લોકોની ,સંખ્યા 2,639,309 પર પહોંચી ગઈ છે.’’

એક અભ્યાસ મુજબ જે લોકો અત્યારે મોતને ભેટી રહ્યા છે તેમને ક્રિસમસની આજુબાજુના ત્રણ કે તેથી વધુ અઠવાડિયા પહેલા ચેપ લાગ્યો હોવાની સંભાવના છે. તે તબક્કે ચેપનો દર ખૂબ જ તીવ્ર રીતે વધી રહ્યો હતો તેથી આવતા દિવસોમાં અને અઠવાડિયાઓમાં આપણે દુર્ભાગ્યે વધુ મૃત્યુ જોવા પડી શકે છે.

અત્યારે સતત ત્રીજા દિવસે નવા ચેપ ધરાવતા લોકોની સંખ્યા 50,000ની નીચે છે. આ અગાઉ તે સંખ્યા 60,000 ને વટાવી ગઇ હતી. જો આ વલણ ચાલુ રહેશે, અને નવા કેસોની સંખ્યા સતત નીચે આવતી રહેશે તો મૃત્યુની સંખ્યામાં પણ ઘટાડો આવશે. પરંતુ તેમ થવામાં કેટલાક અઠવાડિયા લાગશે.