હેરોના પૂર્વ લંડન એસેમ્બલી સભ્ય અને લેબર લીડર નવીન શાહને ક્વિન્સ બર્થડે ઓનર્સ લિસ્ટ 2022માં કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર (CBE)નું સન્માન આપવામાં આવ્યું છે.

40 વર્ષથી વધુ સમય જાહેર સેવા આપ્યા બાદ હેરોના કાઉન્સિલર, કાઉન્સિલ લીડર અને પછી બ્રેન્ટ અને હેરોના લંડન એસેમ્બલી સભ્ય તરીકે 13 વર્ષ સુધી પ્રતિનિધિત્વ કરતા નવિનભાઇ શાહે રંગભેદ વિરોધી ચળવળ, ઇસ્ટ આફ્રિકાથી આવતા ઈમિગ્રન્ટ સમુદાયોની મદદ અને પ્રચંડ જાતિવાદ સામે લડવા માટે કોમ્યુનિટી રિલેશન કાઉન્સિલ સાથે કામ કર્યું હતું. તેમણે હેરો ઇક્વાલિટી સેન્ટર અને હેરો એન્ટી રેસીસ્ટ એલાયન્સ સાથે પણ કામ કર્યું હતું. તેમણે 2020-21માં રોગચાળા દરમિયાન લંડન એસેમ્બલીની અધ્યક્ષતા સંભાળી હતી.

સન્માન અંગે નવીનભાઇ શાહે જણાવ્યું હતું કે ‘હું આ સન્માનથી ખુશ અને અભિભૂત છું. હું તેને સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવા, જાતિવાદ અને તમામ પ્રકારના ભેદભાવ સામે લડવા, વંચિતોને ટેકો આપવા અને પર્યાવરણની સુરક્ષા અને વૃદ્ધિ માટે ભાગીદારીની ભાવનાથી કામ કરવા માટે સફળતાના ચિહ્ન તરીકે સ્વીકારું છું. મારી સમગ્ર જાહેર સેવા દરમિયાન મેં સમુદાયોને આકાર આપવા અને સમર્થન આપવા માટે સકારાત્મક અને અર્થપૂર્ણ યોગદાન આપવાનો પ્રયત્ન કર્યો છે. મને આશા છે કે હું મારા પ્રયત્નોમાં સફળ થયો છું.’’

નવિનભાઇએ જણાવ્યું હતુ કે ‘’લંડનને આકાર આપવા અને લંડનવાસીઓના જીવનની ગુણવત્તા સુધારવામાં મદદ કરવા માટે લંડન એસેમ્બલી દ્વારા વ્યૂહાત્મક સ્તરે મેં ભજવેલી વિશાળ શ્રેણીની ભૂમિકાને હું ખૂબ મહત્વ આપું છું. લંડન એસેમ્બલીમાં મારા યોગદાનના માઇલસ્ટોન્સમાં આગ સામેની  સલામતી માટે નવી રહેણાંક ઇમારતો માટે ઇંગ્લેન્ડમાં છંટકાવની ફરજિયાત આવશ્યકતાઓ અંગેનો અહેવાલ શામેલ છે, જે ગ્રેનફેલ ટાવર બ્લોકમાં લાગેલી આગને અટકાવી શકે છે અને જાળવવા માટે સમગ્ર લંડનમાં હાઇ-રાઇઝ ડેવલપમેન્ટ્સની જટિલ તપાસનો સમાવેશ થાય છે. મને વિશ્વાસ છે કે આ માન્યતા આ પડકારજનક સમયમાં મારું યોગદાન ચાલુ રાખવા માટે વધુ પ્રેરણા આપશે અને પ્રોત્સાહિત કરશે.’’