સિટિઝનશિપ

અમેરિકાના સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS)એ નેચરલાઈઝેશન માટે અરજી કરતા વ્યક્તિઓ માટે વ્યક્તિગત પડોશી તપાસ ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. હવેથી ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટની કલમ 335(a) હેઠળ USCIS નાગરિકત્વ મેળવવા માટે અરજી કરનારા વિદેશી નાગરિકો જ્યાં રહેતાં હશે ત્યાં તેમના પડોશીઓનું તથા તેઓ જ્યાં નોકરી કરતાં હશે ત્યાંથી તેમના સહકર્મચારીઓ પાસેથી અરજદારની એકંદર વર્તણૂક, અમેરિકાના બંધારણ પ્રત્યે તેમની નિષ્ઠા, તથા અમેરિકા વિશેના તેના અભિપ્રાયોની જાણકારી એકત્ર કરશે.

અમેરિકામાં આવું નેબરહૂડ ચેકિંગ 1991માં બંધ કરાયું હતું, જેને ટ્રમ્પ સરકારે ફરી ચાલુ કર્યું છે. USCISના આંતરિક મેમોરેન્ડમ અનુસાર નાગરિકત્વની અરજી કરવા અગાઉના પાંચ વર્ષના સમયગાળાને આવરી લેતી નેબરહૂડ ઈન્વેસ્ટિગેશન અથવા ‘વોચ’ તરીકે ઓળખાતી આ વ્યક્તિગત તપાસમાં હેઠળ વિદેશી નાગરિકના રહેઠાણ અને નોકરીની નજીકના સ્થળોને આવરી લેવાશે. જોકે USCIS તેમની પાસે અગાઉથી ઉપલબ્ધ અરજદારના રેકોર્ડને આધારે વ્યક્તિગત કેસ કે ચોક્કસ વર્ગના કેસોમાં આ તપાસમાંથી મુક્તિ આપી શકે છે.

અમેરિકા સ્થિત ઈમિગ્રેશન એટર્ની કૃપા ઉપાધ્યાયના જણાવ્યાં અનુસાર, નાગરિકત્વ માટે અરજી કરનારાઓના પડોશીઓનું મંતવ્ય લેવાની નીતિ અયોગ્ય છે. આવી નીતિઓથી અમેરિકા સુરક્ષિત બની જશે તેવું માનવું અતાર્કિક છે. આમ કરવાથી ઈમિગ્રન્ટ્સમાં ભયની તથા તેઓ અમેરિકામાં અવાંછિત હોવાની લાગણી પ્રબળ બનશે.

USCIS અરજદારને તેને ઓળખતા હોય તેવા પડોશી, નોકરીદાતા, સહકર્મી તથા બિઝનેસ એસોસિયેટ્સ પાસેથી તેની વર્તણૂક અંગેનું પ્રમાણપત્ર અથવા ટેસ્ટીમોનિયલ લેટર લાવવા કહી શકે છે. જો અરજદાર આ પુરાવા આપવામાં નિષ્ફળ રહે અથવા તો પુરાવા આપવાનો ઈનકાર કરે તેવા કેસમાં નેબરહૂડ ઈન્વેસ્ટિગેશન હાથ ધરાશે. અરજદારે સ્વયં ટેસ્ટીમોનિયલ લેટર સબમિટ કરવો જોઈએ તેવું મેમોરેન્ડમાં સૂચવાયું હોવા છતાં USCISના અધિકારી ઈચ્છે તો અરજદારના પડોશી કે તમારા બોસ અથવા સહકર્મીને તમારા વિશે પૂછી શકે છે.

LEAVE A REPLY