Getty Images)

નેપાળના વડાપ્રધાન કે. પી.શર્મા ઓલીના નેપાળના ઠોરી ગામને ભગવાન રામનું અસલ જન્મસ્થળ ગણાવ્યા પછી હવે પુરાતત્ત્વ વિભાગ સંશોધન કરવાની યોજના બનાવી રહ્યું છે. નેપાળનો પુરાતત્ત્વ વિભાગ બીરગંજના પરસા જિલ્લાના ઠોરી ગામમાં પણ ખોદકામ અંગે વિચારણા કરી રહ્યો છે.

નેપાળના વડાપ્રધાન કે. પી.ઓલી એ એક નિવેદન આપ્યું હતું કે ભારતે સાંસ્કૃતિક તથ્યોનું ઉલ્લંઘન કર્યું છે. ઓલીએ કહ્યું કે આજ સુધી આપણે સમજી શકીએ છીએ કે અમારી સીતાના લગ્ન ભારતીય રામ સાથે થયા હતા. જ્યારે રામની અસલી જન્મભૂમિ નેપાળ જ છે. નેપાળના તમામ વિપક્ષી નેતાઓ દ્વારા ઓલીના નિવેદનની આલોચના થઈ હતી. વિપક્ષી નેતાઓએ તેને બિનજરૂરી નિવેદન ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તેનાથી ભારત-નેપાળ સંબંધોને નુકસાન થશે.

માઇ રિપબ્લિક અખબારના જણાવ્યા અનુસાર, ઓલીના નિવેદન પછી નેપાળી પુરાતત્ત્વ વિભાગ ઠોરી ગામમાં અભ્યાસ માટે તમામ મંત્રાલયો સાથે સંપર્કમાં છે. પુરાતત્ત્વીય વિભાગના પ્રવક્તા રામ બહાદુર કંવરને ટાંકીને અખબારે લખ્યું છે કે, વિભાગ ઘણા મંત્રાલયો સાથે બીરગંજના ઠોરી ખાતે સંભવિત પુરાતત્ત્વીય અભ્યાસની સંભાવના અંગે ચર્ચા કરી રહ્યા છે.

પુરાતત્ત્વ વિભાગના ડાયરેક્ટર જનરલ દામોદર ગૌતમે કહ્યું કે પીએમ ઓલીના નિવેદન પછી પુરાતત્ત્વ વિભાગ ત્યાં સંશોધન કરવા માટે ગંભીર છે. ગૌતમે જણાવ્યું હતું કે, વિભાગ નિષ્ણાતો સાથે વાત કરશે અને ટૂંક સમયમાં પરિણામ પર આવશે.

જો કે પુરાતત્વ વિભાગની પાસે ઠોરીમાં ખોદકામ માટે કોઇ આધાર નથી. ગૌતમે કહ્યું કે આ અમારી જવાબદારી છે કે વડાપ્રધાનના નિવેદન બાદ અભ્યાસ કરાવો. હું એ નથી કહી શકતો કે અયોધ્યાના નેપાળમાં હોવાની વાત સાબિત કરવા માટે આપણી પાસે પૂરતા આધાર છે.

ઓલીના નિવેદન પર વિવાદ વધતા નેપાળના વિદેશ મંત્રાલયે સ્પષ્ટીકરણ રજૂ કર્યું હતું. તેમાં કહ્યું હતું કે ઓલીનું નિવેદન રાજકીય નહોતું અને કોઇની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો હેતુ નહોતો. સ્પષ્ટીકરણમાં કહ્યું હતું કે ઓલીના નિવેદનની પાછળ અયોધ્યા અને તેનું સાંસ્કૃતિક મહત્વ ઓછું કરવાનો કોઇ ઇરાદો નહોતો.