Chief Minister Bhupendra Patel's public relations officer Hitesh Pandya resigns
ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ(PTI Photo)

ગુજરાતના નવનિયુક્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળની શપથવિધિ ગુરુવાર, 16 સપ્ટેમ્બરે યોજવાની શક્યતા છે. રૂપાણી સરકારના રાજીનામા બાદ નવી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મુખ્યપ્રધાન ઉપરાંત અન્ય 16 પ્રધાનોનો સમાવેશ થવાની ધારણા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના નિવાસ સ્થાને બેઠકનો દોર ચાલું છે.

અલગ અલગ ધારાસભ્યો સાથે પાટીલ વન ટૂ વન બેઠક કરી રહ્યા છે. રાજકારણ સાથે જોડાયેલા સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, 16 સપ્ટેમ્બરે નવુ મંત્રી મંડળ શપથ લઈ શકે છે, જેના કારણે ધારાસભ્યોને ગાંધીનગર ન છોડવા સૂચના પણ આપી દેવામાં આવી છે. બુધવારે તમામ MLAને હાજર રહેવા ફરમાન પણ કરી દેવામાં આવ્યું છે.
ભૂપેન્દ્ર પટેલે મુખ્યપ્રધાન તરીકે પદભાર સંભાળ્યા બાદ નવા પ્રધાનમંડળની રચના માટે રાજકીય કવાયત તેજ બની છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના આગમન બાદ ભૂપેન્દ્ર પટેલની ટીમમાં કોનો સમાવેશ થશે અને કોનુ પત્તુ કપાશે તેવી રાજકીય અટકળોએ જોર પકડયું છે. મંત્રીમંડળની રચનાને લઇને હવે કેન્દ્રીય નીરીક્ષકો અને પ્રદેશના નેતાઓએ વચ્ચે મંત્રણાનો દોર પણ શરૂ થઇ ચૂક્યો છે. સૂત્રોના મતે, નવા પ્રધાનમંડળમાં યુવાઓને તક અપાશે અને 60 ટકા નવા ચહેરા હશે.

નવા પ્રધાનમંડળમાં કોનો સમાવેશ કરવો અને કોને પડતા મૂકવા તે અંગે કવાયત શરૂ થઇ છે. ભાજપના ટોચના સૂત્રોના મતે, યુપી ફોર્મ્યુલા ગુજરાતમાં અપનાવવામાં આવશે નહીં. બે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં નહી આવે.
વિજય રૂપાણી સરકારમાં નબળી કામગીરી કરનારાં પાંચ- છ સિનિયર મંત્રીઓને પડતા મૂકવામાં આવે તેમ છે. કેટલાંક મંત્રીઓ અમુક વિવાદોમાં સપડાયાં છે જેના કારણે પક્ષ-સરકારની પ્રતિષ્ઠા ખરડાઇ છે જેના કારણે તેમનુ પત્તુ કપાઇ શકે છે.

મુખ્યપ્રધાન તરીકેની ખુરશી પર બેસવાની તક ગુમાવનારા નીતિન પટેલને કેબિનેટ પ્રધાનની ઓફર થઈ શકે છે. જોકે તેઓ સ્વિકારશે કે કેમ તે અંગે ભાજપના નેતાઓને શંકા છે. નીતિન પટેલને સરકાર અથવા સંગઠનમાં શું જવાબદારી આપવી તે અંગે હજુ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.