બ્રિટનના વૈવિધ્યા ધરાવતા ઇતિહાસમાં લઘુમતી સમુદાયોએ જે ગાઢ યોગદાન આપ્યું છે તેના સન્માન સ્વરૂપે એક નવો સિક્કો આવતા અઠવાડિયે દેશમાં ચલણમાં આવશે.
બ્રિટનના વિવિધ ઇતિહાસની ઓળખ ધરાવે છે અને તેની ઉજવણી છે તેવા લગભગ 25 મિલિયન સિક્કા સોમવારે જાહેર કરવામાં આવશે. આ સિક્કામાં એક જિઓડોમ છે, જે સમુદાયમાં સંબંધ અને શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં દરેક વિભાગ કંઈક વધુ મહાન કામ કરવા માટે સાથે કાર્યરત છે. તેની ડિઝાઇન યુકેના સૌથી અગ્રણી ડિઝાઇનર ડોમિનિક ઇવાન્સે તૈયાર કરી છે. અગાઉ તેમમે વીઇ ડે, સેફાયર કોરોનેશન અને જેન ઓસ્ટેનના સિક્કાની ડિઝાઇન બનાવી હતી. તેમને આ સિક્કાની ડિઝાઇન બનાવવાની પ્રેરણા મિસ ઇવાન્સના મિશ્ર વંશીય મહિલા તરીકેના પોતાના વ્યક્તિગત અનુભવ પરથી મળી હતી.
નવા 50 પેન્સ, રોયલ મિન્ટ અને ચાન્સેલરના ઇરાદાનો સંકેત આપે છે કે, ભવિષ્યમાં સિક્કા અને ચલણી નોટ્સ પર વ્યાપક લોકોનો સમાવેશ કરવામાં આવશે. ચાન્સેલર રિશિ સુનાકે આ વર્ષના પ્રારંભમાં સિક્કાની શરૂઆતની સાથે ‘વી ટુ બિલ્ટ બ્રિટન’ કેમ્પેઇનની ચર્ચા જગાવી હતી, જે જીવનના તમામ ક્ષેત્રમાં લઘુમતી સમુદાયોના યોગદાનના યોગ્ય પ્રતિનિધિત્વ માટે કાર્યરત છે. તેમણે સિક્કાના લોકાર્પણ નિમિત્તે ગુરુવારે સિક્કાના ડિઝાઇનર ડોમિનિક ઇવાન્સ, બ્લોન્ડેલ ક્લફ સીબીઇ (પશ્ચિમ ભારત સમિતિના સીઇઓ), કેમ્પેઇનર્સ ઝેહરા ઝૈદી, પ્રોફેસર પેટ્રિક વર્નન અને મિન્ટના ડેપ્યુટી માસ્ટર એન્ન જેસ્સોપ્પ એક રાઉન્ડ ટેબલ ચર્ચાનું આયોજન કર્યું હતું.
આ અંગે ચાન્સેલર ઓફ એક્સચેકર રિશી સુનાકે જણાવ્યું હતું કે, ‘મેં બ્રિટનના ઇતિહાસમાં વંશીય લઘુમતી સમુદાયોએ આપેલા યોગદાનને જોયું છે. તેથી જ મેં ‘વી ટુ બિલ્ટ બ્રિટન’ કેમ્પેઇનને સમર્થન આપ્યું છે અને વિનંતી કરી કે, રોયલ મિન્ટ આ સિક્કો રજૂ કરે અને તેની ઉજવણી કરે.
વડાપ્રધાન બોરીસ જ્હોન્સને જણાવ્યું હતું કે, ‘રોયલ મિન્ટના નવા 50 પેન્સ સિક્કાના ડિઝાઇનર ડોમિનીક ઇવાન્સને અભિનંદન -‘ડાઇવર્સિટી બિલ્ટ બ્રિટન’
તેમની આ ડિઝાઇન સિક્કાઓની શ્રેણીમાં પ્રથમ છે જેનું ટંકશાળમાં નિર્માણ થશે, જેમણે આપણા રાષ્ટ્રીય ઇતિહાસ અને સંસ્કૃતિને આકાર આપવામાં મદદ કરી છે તેમની ઉજવણી કરવામાં આવશે.