REUTERS/Leah Millis/File Photo

ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતપૂર્વ અંગત વકીલ રુડી જુલિયાનીએ ગુરુવારે ન્યૂયોર્કની કોર્ટમાં ચેપ્ટર-11 હેઠળ નાદારીની અરજી કરી હતી. જ્યોર્જિયાના બે ચૂંટણી કાર્યકરોને બદનામ કરવા બદલ $148 મિલિયનનું નુકસાન ચૂકવવાના કોર્ટના આદેશના થોડા દિવસો પછી તેમણે લેણદારો સામે રક્ષણની અરજી કરી હતી.

જુલિયાની ન્યૂ યોર્ક સિટીના ભૂતપૂર્વ મેયર પણ છે. તેમણે નાદારીની પિટિશનમાં એક મિલિયનથી 10 મિલિયન ડોલર સુધીની એસેટ તથા 100 મિલિયનથી 500 મિલિયનની નાણાકીય જવાબદારી હોવાની માહિતી આપી હતી. તેમના પરનું સૌથી મોટું દેવું $148 મિલિયન છે. વોશિંગ્ટનમાં ફેડરલ જ્યુરીએ તેને 15 ડિસેમ્બરે રૂબી ફ્રીમેન અને તેની પુત્રી વાન્ડ્રીયા “શેય” મોસ અંગે વારંવાર ખોટા દાવા કરવા બદલ આ રકમ ચુકવવાનો આદેશ આપ્યો છે. જુલિયાનીએ 2020ની ચૂંટણીમાં આવા ખોટા દાવા કર્યા હતા. ઇનકમ ટેક્સ સંબંધિત પણ તેમના માથે નાણાકીય જવાબદારી છે.

પ્રેસિડન્ટ જો બાઇડનના પુત્ર હંટર બાઇડનના પણ કેટલાંક બાકી લેણા છે. આ રકમની ચોખવટ કરાઈ નથી. વોટિંગ ટેક્નોલોજી કંપનીઓ ડોમિનિયન અને સ્માર્ટમેટિકના પણ બાકી લેણા છે. હન્ટર બાઇડન, ડોમિનિયન અને સ્માર્ટમેટિકે જુલિયાની સામે મુકદ્દમા દાખલ કર્યા છે.

79 વર્ષીય જુલિયાનીએ ઓગસ્ટમાં યુએસ ડિસ્ટ્રિક્ટ જજ બેરીલ હોવેલ દ્વારા ફ્રીમેન અને મોસ, બંનેને બદનામ કરવા માટે દોષિત ઠેરવ્યા હતા. જુલિયાનીએ પૂર્વ પ્રેસિડન્ટ ટ્રમ્પ વતી આ જુઠ્ઠાણા ફેલાવ્યાં હતા.

આઠ સભ્યોની ફેડરલ જ્યુરીના ચુકાદા મુજબ ફ્રીમેન અને મોસ પ્રત્યેકને માનહાનિના વળતર પેટે $16 મિલિયન ચુકવવામાં આવશે. આ ઉપરાંત માનસિક તકલીફ માટે પ્રત્યેકને 20 મિલિયન ડોલર મળશે. $75 મિલિયનથી વધુની પેનલ્ટીનો પણ સમાવેશ થાય છે. કોર્ટે તાકીદની ધોરણે આ પેમેન્ટ કરવાનો જુલિયાનીને આદેશ આપ્યો છે.

 

LEAVE A REPLY

fifteen + 19 =