અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યમાં શુક્રવાર (22 ઓગસ્ટ)ના રોજ એક બસનો ભયાનક અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા. આ બસ નાયગ્રા ફોલ્સથી પરત ફરી આવી રહી ત્યારે ખાડામાં ખાબકી હતી. આ ઘટના બફેલો શહેરથી 40 કિલોમીટર પૂર્વમાં બની હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ટુરિસ્ટ બસમાં કુલ 54 લોકો હતા. બસ નાયગ્રા ફોલ્સથી પરત ફરી ન્યૂયોર્ક શહેર તરફ જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે અચાનક નિયંત્રણ ગુમાવતા તે રસ્તા પરથી ખસીને ખાડામાં પડી હતી. આ ભયાનક દુર્ઘટનામાં બસના ટુકડા થઈ ગયા અને મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને પાંચ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસના જણાવ્યા મુજબ, આ મુસાફરો ભારતીય, ચીની અને ફિલિપિનો મૂળના હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.
ન્યૂયોર્ક સ્ટેટ પોલીસ કમાન્ડર મેજર આન્દ્રે રેએ જણાવ્યું કે પ્રાથમિક તપાસ મુજબ ડ્રાઈવર વિચલિત થઇ જતાં તેણે બસ પરનું નિયંત્રણ ગુમાવ્યું હતું. જોકે, ડ્રાઈવર જીવિત છે અને તેને કોઈ ગંભીર ઈજા થઈ નથી. બસના અન્ય મુસાફરોની હાલત સ્થિર છે અને મોટાભાગને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ન્યૂયોર્ક રાજ્યનાં ગવર્નર કેથી હોચુલે જણાવ્યું કે, તેમની ટીમ સ્થાનિક પ્રશાસન અને પોલીસ સાથે મળીને રાહત અને બચાવ કામગીરીમાં કરી રહી છે. સેનેટર ચક શુમરે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. અકસ્માત પછી નજીકની અનેક હોસ્પિટલોને એલર્ટ કરવામાં આવી હતી. 40થી વધુ લોકોને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. બફેલોની એરી કાઉન્ટી મેડિકલ સેન્ટરના સર્જરી વિભાગના વડા ડો. જેફરી બ્રુઅરે જણાવ્યું કે સર્જરી કરાવનારા 2 દર્દીઓની હાલત સુધરી રહી છે અને તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી આશા છે.

LEAVE A REPLY