કોરોના વાઈરસે વિશ્વના 194 દેશને પોતાના ભરડામાં લઈ લીધા છે. આ લખાઈ રહ્યું છે ત્યારે વિશ્વભરમાં કોરોના વાઈરસના 4 લાખ 23 હજાર કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 18 હજાર 900 લોકોએ જીવ ગુમાવ્યો છે. વાઈરસ સંક્રમિત એક લાખ નવ હજાર લોકો સારવાર બાદ સારા થઈ ગયા છે. ન્યૂઝીલેન્ડમાં બુધવારે મધ્યરાત્રીથી ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવશે.

કોરોના વાઈરસના સંક્રમણના કારણે ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા અર્ડર્ને બુધવારે કહ્યું હતું કે સમગ્ર દેશમાં આજે મધ્યરાત્રીથી ચાર સપ્તાહ માટે રાષ્ટ્રીય ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવશે. અહીં સંક્રમણના અત્યાર સુધીમાં 205 કેસ સામે આવ્યા છે. બુધવારે 50 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ન્યૂઝીલેન્ડના ઈતિહાસમાં આ બીજીવાર ઈમરજન્સી લાગુ કરવામાં આવી છે. પ્રથમવાર 23 ફેબ્રુઆરી 2011માં ઈમરજન્સી લાગુ કરાઈ હતી, આ સમયે ભૂકંપથી 200 લોકો મોતને ભેટ્યા હતા.

ચીનના વુહાનથી ફેલાયેલા આ વાઈરસે સૌથી મોટી ખૂવારી ઈટાલીમાં મચાવી છે. અહીં 6820 લોકોએ કોરોના વાઈરસના કારણે જીવ ગુમાવ્યા છે. જ્યારે ચીનમાં 3281 લોકોએ જીવ ગુમાવ્યા છે. WHO (વિશ્વ આરોગ્ય સંસ્થા)એ ચેતવણી આપતા ક્હ્યું છે કે અમેરિકા ઈટાલીની જેમ મહામારીનું કેન્દ્ર બની શકે છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં પોઝિટિવ કેસની સંખ્યા એક હજાર થઈ ગઈ છે અને સાત લોકોના મોત થયા છે.