ઓન્ટારિયામાં નીલ્સન કેનેડા ( પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વિશ્વની અગ્રણી ટીવી અને વીડિયો રેટિંગ કંપની નીલ્સનને આશરે 16 બિલિયન ડોલરના સોદામાં પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર્સનું એક ગ્રૂપ હસ્તગત કરશે. નીલ્સનને અગાઉ 9 અબજ ડોલરની ઓફર ફગાવી દીધા પછી આ સોદો થયો છે. આ ડીલની પ્રક્રિયા ચાલુ વર્ષના બીજા છ મહિનામાં પૂરી થવાની ધારણા છે. તે કંપનીના શેરહોલ્ડર્સ અને નિયમનકારી સંસ્થાઓની મંજૂરીને આધીન છે. નીલ્સનની વૈશ્વિક આવક આશરે 3.5 અબજ ડોલર છે.

એવરગ્રીન કોસ્ટ કેપિટલ કોર્પ, ઇલિયોટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટની સહયોગી કંપની અને બ્રુકફીલ્ડ બિઝનેસ પાર્ટર્સ સહિતના પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર્સ નીલ્સનના દરેક શેર માટે 28 ડોલરનો ભાવ ચુકવશે. બ્રુકફિલ્ડ બિઝનેસ પાર્ટનર્સ પ્રિફર્ડ ઇક્વિટી મારફત 2.65 અબજ ડોલરનું રોકાણ કરશે, જેને નીલ્સનના 45 ટકા હિસ્સામાં કન્વર્ટ કરી શકાશે. આ સોદામાં ઇક્વિટી શેર મારફતના સોદાનું મૂલ્ય આશરે 10 બિલિયન ડોલર છે. બાકીનું નીલ્સનનું દેવું છે, જે ખરીદદારોના માથે આવશે.

બ્રુકફિલ્ડે જણાવ્યું હતું કે તે આશરે 60 કરોડ ડોલરનું રોકાણ કરશે. બાકીનું ભંડોળ સંસ્થાકીય પાર્ટનર્સ પાસેથી મેળવવામાં આવશે.ન્યૂ યોર્ક સિટી સ્થિતિ નીલ્સન હોલ્ડિંગ કંપની પીઇ રોકાણકારોની અગાઉની ઓફરને ફગાવી દેતા જણાવ્યું હતું કે તેની પાસે નોંધપાત્ર બિઝનેસ છે, જેનું મૂલ્ય ઓછું આંકવામાં આવ્યું છે. જોકે નવી ઓફર સ્વીકાર્યા બાાદ નીલ્સનના શેરમાં આશરે 22 ટકાનો ઉછાળો આવ્યો હતો.

લોકો નેટફ્લિક્સ કે હુલુ જેવી સ્ટ્રીમિંગ સર્વિસ કેટલો સમય જોવે છે તેનું નવું મોડલ ઊભુ ન કરવા માટે તાજેતરમાં નીલ્સન ટીકાનો શિકાર બની હતી. હવે આ કામ મુશ્કેલ બન્યું છે કારણ કે લોકો ફોન, ટેબ્લેટ કે બીજી સ્માર્ટ ડિવાઇસમાં કન્ટેન્ટ લોડ કરે છે. નીલ્સન આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહી છે અને વર્ષના અંત સુધીમાં ક્રોસ-મીડિયા મેઝરમેન્ટ સિસ્ટમ લોન્ચ કરે તેવી ધારણા છે.

નીલ્સનના બોર્ડે પીઇ રોકાણકારોની આ નવી ઓફરને સર્વસંમતીથી સમર્થન આપ્યું છે અને જો સોદા પાર પડશે તો કંપની પ્રાઇવેટ બની જશે. જોકે 45 દિવસનો ગો-શોપ પિરિયડ રહેશે, જેમાં નીલ્સન બીજી ઓફર્સની પણ વિચારણા કરી શકે છે. જોકે પીઇ રોકાણકારો સાથેની સમજૂતી તોડવા માટે તેને 10.2 કરોડ ડોલરની ફી ચુકવવી પડશે.