સાબરમતી રિવરફ્રન્ટ ( (istockphoto.com)

ગુજરાતના સોમવારે કોરોના નવા માત્ર 12 કેસ નોંધાયા હોવા છતાં તહેવારોની સિઝનને પગલે રાજ્ય સરકારે મંગળવાર, 14 સપ્ટેમ્બરે આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાવવાનો નિર્ણય લીધો હતો. રાજ્ય સરકારની જાહેરાત મુજબ રાજ્યના 8 મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર શહેરમાં 15 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે. આ 8 શહેરોમાં રાત્રે 11 કલાકથી સવારે 6 કલાક સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે.

હાલની પરિસ્થિતિની પુન:સમીક્ષા કરી રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં તારીખ 15 સપ્ટેમ્બર, 2021ના રાત્રિના 11 કલાકથી તારીખ 25 સપ્ટેમ્બર, 2021ના સવારના 6 કલાક સુધી રાત્રિ કર્ફ્યુની અવધિ લંબાવવામાં આવી છે. રાજ્યભરમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ માટે રાજ્ય સરકારે ખાસ ગાઇડલાઇન જાહેર કરી હતી. રાજ્યભરમાં ગણેશ મહોત્સવનું આયોજન કરતા આયોજકોએ આ ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. સોમવારે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 12 કેસ નોંધાયા હતા અને સામે 16 દર્દીઓ સાજા થયા હતા. સોમવારે રાજ્યમાં કોરોના વાયરસના કારણે એકપણ દર્દીનું મોત નીપજ્યું નથી. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 815386 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે અને કુલ મૃત્યુઆંક 10082 નોંધાયો છે. એક્ટિવ કેસો 161 છે જેમાં 5 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 156 દર્દી સ્ટેબલ છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 6, વડોદરામાં 4, જામનગરમાં 1 અને સુરત (જિલ્લા)માં 1 કેસ નોંધાયો છે.