Demonstrators attend a protest against federal immigration sweeps in downtown Los Angeles, California, U.S. June 10, 2025. REUTERS/Leah Millis

લોસ એન્જેલસમાં ઇમિગ્રન્ટ્સ પરના દરોડા પછી શુક્રવારથી ચાલુ થયેલા હિંસક દેખાવો મંગળવારે સતત પાંચમાં દિવસે ચાલુ રહેતા અમેરિકાના બીજા ક્રમના આ સૌથી મોટા શહેરમાં રાત્રે ઇમરજન્સી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. સ્થાનિક સમય મુજબ રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે અને તે થોડા દિવસો સુધી અમલમાં રહેશે. વિરોધી દેખાવો દરમિયાન એપલના સ્ટોર સહિતના કેટલાંક બિઝનેસમાં લૂંટફાટ થઈ હતી. સત્તાવાળાએ આશરે 96 લોકોની ધરપકડ કરી હતી.

દરમિયાન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લોસ એન્જલસને “વિદેશી દુશ્મન”ના આક્રમણથી “મુક્ત” કરવાનું વચન આપ્યું હતું. બીજી તરફ કેલિફોર્નિયાના નેતાઓએ સૈનિકોને રસ્તાઓ પર મોકલતા અટકાવવા માટે કોર્ટમાં અરજી કરી હતી.
શહેરમાં નેશનલ ગાર્ડ અને મરિન તૈનાત કરવાના પોતાના નિર્ણયનો બચાવ કરતાં ઉત્તર કેરોલિનાના ફોર્ટ બ્રેગ સ્થિત આર્મી બેઝ ખાતે પ્રેસિડન્ટે જણાવ્યું હતું કે કેલિફોર્નિયામાં તમે જે જોઈ રહ્યા છો તે શાંતિ, જાહેર વ્યવસ્થા અને રાષ્ટ્રીય સાર્વભૌમત્વ પરનો હુમલો છે, જે વિદેશી ધ્વજ ધરાવતા તોફાનીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેમનું વહીવટીતંત્ર લોસ એન્જલસને મુક્ત કરશે.

લોસ એન્જલસ પોલીસ વિભાગના વડા જીમ મેકડોનેલે જણાવ્યું હતું કે નિયુક્ત વિસ્તારના રહેવાસીઓ, બેઘર વ્યક્તિઓ, પ્રમાણિત મીડિયા અને જાહેર સલામતી તથા કટોકટી કર્મચારીઓને કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવશે.કર્ફ્યુનો ભંગ કરનારા લોકોની ધરપકડ કરાશે.

ઉગ્ર વિરોધી દેખાવોને પગલે 9 જૂને પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ 2,000 નેશનલ ગાર્ડ તથા 700 મરિન કમાન્ડો તૈનાત કરવાનો નિર્ણય કર્યો હતો અને સરકારે શંકાસ્પદ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પર દરોડા વધુ તીવ્ર બનાવ્યાં હતાં. તેનાથી રસ્તા પર લોકોએ વધુ ઉગ્ર વિરોધ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનો હવે બીજા શહેરોમાં ફેલાઈ રહ્યા છે. ન્યુ યોર્ક, ફિલાડેલ્ફિયા, ડલ્લાસ, ઓસ્ટિન અને સાન ફ્રાન્સિસ્કોમાં દેખાવો થયા હતાં. રવિવારે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે નેશનલ ગાર્ડના 2,000 સૈનિકો તૈનાત કર્યા હતાં. સોમવારે દેખાવકારોને વિખેરી નાંખવા માટે પોલીસે ફ્લેશ બેંગ અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો.

શહેરમાં નેશનલ ગાર્ડ અને મરીનને તૈનાતી સામે કેલિફોર્નિયાએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. રાજ્યની દલીલ છે કે તે ફેડરલ કાયદા અને રાજ્ય સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરે છે.સેનેટ આર્મ્ડ સર્વિસીસ કમિટીના ટોચના ડેમોક્રેટ, સેનેટર જેક રીડે કહ્યું હતું કે પ્રેસિડન્ટ બળજબરીથી ગવર્નર અને મેયરની સત્તાનું ઉલ્લંઘન કરી રહ્યાં છે અને લશ્કરી દળોનો ઉપયોગ રાજકીય હથિયાર તરીકે કરે છે. આ અભૂતપૂર્વ પગલાથી તણાવપૂર્ણ સ્થિતિ રાષ્ટ્રીય કટોકટીમાં ફેરવાઈ જવાનું જોખમ છે.
નેશનલ ગાર્ડના સૈનિકોને ફેડરલ સરકારી ઇમારતો નજીક ગોઠવવામાં આવ્યાં હતાં. લોસ એન્જલસ પોલીસે ઘણી રેલીઓને “ગેરકાયદેસર સભાઓ” જાહેર કરી હતી. તથા કેટલાક દેખાવકારો પર કોંક્રિટ પ્રોજેક્ટાઇલ, બોટલ અને અન્ય વસ્તુઓ ફેંકવાનો આરોપ મૂક્યો હતો. રવિવારે સાંજે શહેરની એક શેરીમાં આલ્ફાબેટના વેમોની ઘણી સ્વ-ડ્રાઇવિંગ કારને આગ લગાવવામાં આવી હોવાનું વિડીયો ઈમેજોમાં જોવા મળ્યું હતું.શહેરની આસપાસના સ્થળોએ

પ્રદર્શનકારીઓના જૂથો એકઠા થયા હતા, જેમાં ઘણાના હાથમાં મેક્સીકન ધ્વજ અને યુએસ ઇમિગ્રેશન અધિકારીઓની નિંદા કરતા પ્લેકાર્ડ હતાં.

LEAVE A REPLY