ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય નીમાબેન આચાર્ય સોમવાર, 27 સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર બન્યાં હતાં. કોંગ્રેસે ગૃહના અધ્યક્ષપદ માટે આચાર્યના નામને સમર્થન આપ્યું હતું, તેનાથી વિધાનસભા સત્રના પ્રથમ દિવસે નવા સ્પીકર તરીકે તેમની બિનહરીફ પસંદગી થઈ હતી. 74 વર્ષીય નીમાબેન આચાર્ય  કચ્છ જિલ્લાના ભૂજ વિધાનસભા બેઠક પર પાંચમી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્પીકરના પદ માટે નીમાબેનના નામની દરખાસ્ત કરી હતી અને વિરોક્ષ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સમર્થન આપ્યું હતું. ગુજરાત વિધાનસભામાં કુલ 182 ધારાસભ્યમાંથી કોંગ્રેસના ધારાસભ્યની સંખ્યા 65 છે. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે 1960માં ગુજરાતની સ્થાપના પછી પ્રથમવાર રાજ્યની વિધાનસભામાં મહિલા સ્પીકરની પસંદગી છે. હું સમગ્ર ગૃહ વતી તેમને અભિનંદન આપું છું. નીમાબેને ગૃહને ખાતરી આપી હતી કે તેઓ તેમની શ્રેષ્ઠ ક્ષમતાનો ઉપયોગ કરીને નવી જવાબદારીનું વહન કરશે. રાજેન્દ્ર ત્રિવેદીએ 16 સપ્ટેમ્બરે રાજીનામું આપ્યા બાદ સ્પીકરનો હોદ્દો ખાલી પડ્યો હતો. રાજ્યના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ત્રિવેદીને કેબિનેટ પ્રધાન બનાવ્યાં છે.

ઉપાધ્યક્ષ તરીકે બપોરે શાસક પક્ષ વતી  જેઠા ભરવાડના નામની દરખાસ્ત રજૂ કરાઇ હતી. સામે છેડે કોંગ્રેસે ધારાસભ્ય ડો.અનિલ જોશીયારાનુ નામ મુક્યું હતું. જોકે, આખરે બહુમતીના જોરે જેઠા ભરવાડની વિધાનસભાના ઉપાધ્યક્ષપદે વરણી થઇ હતી.