અમદાવાદમાં સોમવાર, 27 સપ્ટેમ્બરે ભારે વરસાદ બાદ રોડ પર પાણી ભરાયા હતા.

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં મેઘવર્ષા ચાલુ કરી છે અને સોમવારે 47 તાલુકામાં 4 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. રાજ્યના 20 જિલ્લાઓમાં આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. સૌથી વધારે અમરેલીના રાજુલામાં 4 ઈંચથી વધારે વરસાદ થયો થયો હતો. આ સિવાય મહેસાણા, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, મોરબી, સુરેન્દ્રનગરમાં સારો વરસાદ નોંધાયો હતો.

આગામી દિવસો માટે રાજ્યમાં યલો તથા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ઓડિશાના ગુલાબ વાવાઝોડાની અસર બાદ સાઈક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત તરફ આવી રહ્યું છે, આ સાઈક્લોનિક સર્ક્યુલેશન કચ્છ પાસે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી સંભાવનાઓ છે. રાજ્યમાં મંગળવારે તથા આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી.

રાજ્યના રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, મહેસાણા અને પાટણમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, સુરત, વલસાડ, ડાંગ, તાપી, છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.

રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, નર્મદા, ભરુચ, સુરત, નવસારી, ડાંગ, તાપી, નવસારી, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા સહિત જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે. સોમવારે રાજ્યમાં સૌથી વધારે અમરેલીના રાજુલામાં 4.56 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય મહેસાણામાં 3.34 ઈંચ, ગીર સોમનાથના ગીર ગઢડામાં 3 ઈંચ, પોરબંદરમાં 2.83 ઈંચ, જામનગરમાં 2.83 ઈંચ, મોરબીના હળવદમાં 2.67 ઈંચ, જૂનાગઢના માળિયામાં 2.60 ઈંચ, મહેસાણાના બેચરાજીમાં 2.60 ઈંચ, સુરેન્દ્રનગરના દસાડામાં 2.45 ઈંચ, મોરબીમાં 2.40 ઈંચ, સાબરકાંઠાના પોઈસામાં 2.36 ઈંચ વરસાદ વરસ્યો હતો. આ સિવાય બાકીના 35 તાલુકાઓમાં એકથી અઢી ઈંચ જેટલો વરસાદ થયો હતો.