કૌભાંડના આરોપી નીરવ મોદી અંગે ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું છે કે કોંગ્રેસ નીરવને બચાવવાનો પુરો પ્રયાસ કરી રહી છે. પ્રસાદે હાઈકોર્ટના રિટાયર્ડ જજ અભય થિપ્સેના નીરવના પક્ષમાં નિવેદનનો ઉલ્લેખ કર્યો છે. થિપ્સે કોંગ્રેસના સભ્ય પણ છે. રવિશંકર પ્રસાદના જણાવ્યા પ્રમાણે, થિપ્સેએ નિવેદન આપ્યું હતું કે, ‘સીબીઆઈએ નીરવ પર જે આરોપ લગાવ્યા છે તે ભારતીય કાયદાની આગળ ટકશે નહીં’

રવિશંકર પ્રસાદે કહ્યું કે, કોંગ્રેસ શરૂઆતથી જ નીરવ મોદી અને મેહુલ ચોકસી જેવા ભાગેડુઓને બચાવવામાં લાગી ગઈ છે. હવે તેમના નેતા અને પૂર્વ જજ ભાગેડુઓના સમર્થનમાં નિવદેન આપીને લંડન કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીને પ્રભાવિત કરવાના પ્રયાસો કરી રહ્યા છે.

અભય થિપ્સેએ નીરવના બચાવમાં કહ્યું કે, ‘જો લેટર ઓફ અંડરટેકિંગ જાહેર થવાથી કોઈની સાથે છેતરપિંડી નથી થઈ તો કોઈ કોર્પોરેટ બોડી સાથે છેતરપિંડીનો સવાલ જ નથી ઉઠતો. બેન્ક અધિકારીઓને એલઓયૂ જાહેર કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે, પણ તેને પ્રોપર્ટી ન કહી શકાય.

આ કેસમાં છેતરપિંડી ના માની શકાય’પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ કોર્ટ નીરવ મોદીને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરી ચુકી છે. EDએ નીરવ વિરુદ્ધ અરજી કરી હતી. ભાગેડુ આર્થિક ગુનેગાર કાયદા હેઠળ નીરવ દેશનો બીજો ભાગેડુ જાહેર થયો છે. જાન્યુઆરીમાં પીએમએલએ કોર્ટે દારૂના વેપારી વિજય માલ્યાને ભાગેડુ જાહેર કરી દીધો હતો.