ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઇએમએફ) અને વર્લ્ડ બેન્કની વાર્ષિક બેઠકોમાં હાજરી આપવા વોશિંગ્ટન ગયેલા નાણા પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે જો અમેરિકા ભારતને એક મિત્ર દેશ તરીકે ઇચ્છતો હોય તો તેને એ પણ સમજવું જોઇએ કે મિત્ર કોઇપણ રીતે નબળો પાડવો ન જોઇએ. ભારત ભૂરાજકીય વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને રશિયા અંગે કુનેહપૂર્વકનું વલણ અપનાવી રહ્યું છે.
વોશિંગ્ટનમાં ભારતીય પત્રકારોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિ થઈ છે અને તે વધુ ઘનિષ્ટ બન્યાં છે. યુક્રેન યુદ્ધ પછી નવી ને નવી તકો દેખાઈ રહી છે. અમેરિકાના યાત્રા દરમિયાન નાણાપ્રધાને ઘણી આંતરરાષ્ટ્રીય અને દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લીધો હતો.
અમેરિકા સાથેના દ્વિપક્ષીય સંબંધો અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ભારત શસ્ત્રો માટે રશિયા પર આધાર રાખે છે. આ ઉપરાંત ભારત ઘણા દાયકાઓથી રશિયા ગાઢ સંબંધો ધરાવે છે. હું વિશ્વાસ સાથે કહું છું કે આ અંગે હકારાત્મક સમજ છે અને કોઇ નકારાત્મક સમજ નથી.
યુક્રેન પર રશિયાના આક્રમણ પછી તમામ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતે તટસ્થ વલણ અપનાવ્યું છે. તેનાથી પશ્ચિમ દેશો નારાજ છે. આ દેશો ઇચ્છે છે કે ભારતે પણ રશિયાની નિંદા કરવી જોઇએ અને રશિયામાં ડિસ્કાઉન્ટ ભાવે ક્રૂડ ઓઇલની ખરીદી ન કરવી જોઇએ.














