Crypto currency / Blockchain
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

લોકસભામાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને તાજેતરમાં જણાવ્યું હતું કે બિટકોઈનને કરન્સી તરીકે માન્યતા આપવાની કોઈ દરખાસ્ત નથી. સરકાર બિટકોઈનમાં લેવડ-દેવડ પર કોઈ ડેટા એકત્ર નથી કરતી.

રાજ્ય કક્ષાના કેન્દ્રીય નાણાપ્રધાન પંકજ ચૌધરીએ કહ્યું હતું કે, સરકાર બિટકોઈનની લેવડ-દેવડ અંગેનો ડેટા એકત્રિત નથી કરતી. ભારતમાં ક્રિપ્ટોકરન્સી અનિયંત્રિત છે. આરબીઆઈએ પણ 31 મે, 2021ના રોજ એક સર્ક્યુલર બહાર પાડ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે, બેંક અને અન્ય નાણાકીય સંસ્થાઓ પોતાના ગ્રાહકને (કેવાઈસી), એન્ટી મની લોન્ડ્રિંગ (એએમએલ), કોમ્બેટિંગ ઓફ ફાઈનાન્સ (સીએફટી) અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (પીએમએલએ), 2002ના ધોરણોને નિયંત્રિત કરનારા નિયમો પ્રમાણે ક્રિપ્ટોકરન્સીમાં લેવડ-દેવડની પ્રક્રિયાઓ ચાલુ રાખી શકે છે.

સંસદમાં જ્યારે ‘ધ ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ, 2021’ રજૂ કરવા અંગેની ચર્ચા ચાલી રહી છે ત્યારે સરકારની પ્રતિક્રિયા જોવા મળી રહી છે. સરકાર સંસદમાં જે બિલ લાવવાની છે તેની યાદીમાં 10મા નંબરે સ્પષ્ટ લખેલું છે કે, ભવિષ્યમાં આરબીઆઈ દ્વારા લોન્ચ થનારી ડિજિટલ કરન્સી સિવાયની તમામ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મુકી દેવાશે.