ભારત સરકારે નવા ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ 2025 હેઠળ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઇમિગ્રન્ટ્સ માટે નવા આકરા નિયમોની જાહેરાત કરી છે. આ નિયમો મુજબ જો વિદેશીઓ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ, જાસૂસી, બળાત્કાર અને હત્યા, આતંકવાદી કૃત્યો, બાળકોની તસ્કરી અથવા પ્રતિબંધિત સંગઠનના સભ્ય હોવાના આરોપમાં દોષિત ઠરેલા હશે તો તેમને ભારતમાં પ્રવેશ કરવાની કે રહેવાની પરમિટ મળશે નહીં,
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશમાં જણાવાયું હતું કે દરેક રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટીતંત્ર ડિટેન્શન કેમ્પોની સ્થાપના કરશે, જેથી દેશનિકાલ ન થાય ત્યાં સુધી વિદેશીઓની હિલચાલને પ્રતિબંધિત કરી શકાય. કોઇપણ કેટેગરીના વિઝા માટે અરજી કરતાં દરેક વિદેશીએ વિઝા જારી કરતા સત્તાવાળાને બાયોમેટ્રિક ઇન્ફર્મેશન આપવી પડશે. ઓવરશીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા (OCI) કાર્ડહોલ્ડર તરીકે રજિસ્ટ્રેશન માટે પણ આવી માહિતી ફરજિયાત આપવી પડશે.
ભારતમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને પ્રવેશતા અટકાવવા માટે સરદહ સુરક્ષા દળો અથવા કોસ્ટ ગાર્ડ પગલાં લેશે. આવા ઇમિગ્રન્ટ્સને તેમને બાયોમેટ્રિક માહિતી અને ઉપલબ્ધ વસ્તી વિષયક વિગતો મેળવ્યા પછી તેમને પાછા મોકલશે.
નવા નિયમો મુજબ જો કોઇ વિદેશી વ્યક્તિ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ, જાસૂસી, બળાત્કાર અને હત્યા, માનવતા વિરુદ્ધના ગુના, આતંકવાદી અને વિધ્વંસક પ્રવૃત્તિ, ટેરર ફંડિંગ, મની લોન્ડરિંગ અથવા હવાલા આરોપોમાં દોષિત ઠેરવામાં આવેલા હશે તો તેમની દેશમાં પ્રવેશ કરવાની કે રહેવાની છૂટ મળશે નહીં. નાર્કોટિક્સ અને સાયકોટ્રોપિક પદાર્થોની હેરફેર, બાળકોની હેરફેર સહિત માનવ તસ્કરી, નકલી મુસાફરી દસ્તાવેજો અને ચલણ (ક્રિપ્ટોકરન્સી સહિત), સાયબર ગુના, બાળ દુર્વ્યવહાર અથવા આવા ગુનાઓમાં સંડોવાયેલા લોકોને પણ ભારતમાં પ્રવેશની છૂટ મળશે નહીં.
ભારતમાં રોજગાર મેળવવા માટે માન્ય વિઝા ધરાવતો કોઈપણ વિદેશી નાગરિક સંબંધિત સત્તાવાળાની પરવાનગી વગર વીજળી, પાણી અથવા પેટ્રોલિયમ ક્ષેત્રમાં રોજગાર સ્વીકારી શકશે નહીં. આ ઉપરાંત કોઇપણ વિદેશી વ્યક્તિ લેખિત પરવાનગી અને ચોક્કસ શરતોને આધીન રહીને જ ફીચર ફિલ્મ, દસ્તાવેજી ફિલ્મ, રિયાલિટી ટેલિવિઝન અને વેબ શો અથવા સિરિઝ, કોમર્શિયલ ટેલિવિઝન સિરિયલો કે શોનું નિર્માણ કરી શકશે નહીં.
પર્વતારોહણ પર નિયંત્રણો લાદતા ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે કોઈપણ વિદેશી અથવા વિદેશીઓનું જૂથ કેન્દ્ર સરકારની લેખિતમાં પૂર્વ પરવાનગી લીધા વગર ભારતમાં કોઈપણ પર્વત શિખર પર ચઢી શકશે નહીં અથવા ચઢવાનો પ્રયાસ કરી શકશે નહીં.
