ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને 30 જૂન ૨૦૨૫ સુધી ૩૦,૬૮૯ MCFT નર્મદાનું પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે આપવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. જેમાં ઉત્તર ગુજરાત માટે નર્મદાનું ૧૪૫૩૯ MCFT અને સૌરાષ્ટ્ર માટે ૧૬૧૫૦ MCFT પાણી આપવામાં આવશે. ઉનાળાની ઋતુ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થઈ શકે તે માટે ચેકડેમ-તળાવ ભરવા સાથે લોકોને પીવાના પાણીની સમસ્યા પણ ન રહે તે માટે નર્મદાનું પાણી વિતરણ કરાશે.
નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્ધવહન પાઇપલાઇન મારફતે ઉત્તર ગુજરાતના ૯૫૦થી વધુ તળાવો અને સુજલામ સુફલામ સ્પ્રેન્ડીંગ કેનાલથી આ પાણી પુરક સિંચાઈ અને પીવાના હેતુસર અપાશે. એટલું જ નહીં સૌરાષ્ટ્ર વિસ્તારના ૨૪૩ તળાવો અને ૧૮૨૦ ચેકડેમમાં નર્મદા જળ પહોંચાડવામાં આવશે. આ પાણીથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની કુલ ૬૦ હજાર એકરથી વધુ ખેતીલાયક જમીનને નર્મદા જળથી સિંચાઈનો લાભ મળતો થશે.
