Getty Images)

દીપિકા પાદુકોણે ‘છપાક’માં નિર્માત્રીની ભૂમિકા અદા કરીને પોતાની કારકિર્દીમાં એક વધુ છોગું ઉમેર્યું છે. પરંતુ આ અદાકારા કહે છે કે મેં પૈસા કમાવવા નિર્માણ ક્ષેત્રે નથી ઝંપલાવ્યું. ખરૂં કહું તો હું આ સર્જનાત્મક ફિલ્મમાં સર્જનાત્મક ફાળો આપવા માગતી હતી. અને ભવિષ્યમાં પણ જ્યારે આવી તક મળશે ત્યારે જ હું નિર્માણ ક્ષેત્રે હાથ અજમાવીશ. અત્રે ઉલ્લેખનીય છે કે મેઘના ગુલઝારના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ ‘છપાક’ એક જાણીતી એસિડ પીડિતાની જીવનકહાણી છે. તેણે એક યુવક સાથે વિવાહ કરવાની ના પાડતાં ત યુવકે ે તેના ચહેરા પર એસિડ ફેંકીને તેનો ચહેરો કદરૂપો બનાવી દીધો હતો. ત્યાર પછી તેની સંઘર્ષગાથા શરૂ થઇ હતી. અભિનેત્રી કહે છે કે આજના સમયમાં અદાકારાઓ પણ અન્ય ક્ષેત્રોમાં પ્રવેશીને સર્જનાત્મક્તામાં ફાળો આપી રહી છે.
દીપિકાએ વધુમાં કહ્યું હતું કે હું એક અદાકારા તરીકે પણ ખુશ હતી અને હજી પણ છું. પરંતુ મને એમ લાગે છે કે અભિનય સિવાયના સર્જનાત્મક ક્ષેત્રોમાં ભાગ લેવાનો આ સુવર્ણકાળ છે. ચાહે તે મેકઅપ હોય, વસ્ત્રસજ્જા હોય, કેશસજ્જા હોય કે ફિલ્મ નિર્માણનું અન્ય કોઇ ક્ષેત્ર. અલબત્ત, હવે લોકો વિવિધ ક્ષેત્રે એકસાથે કામ કરી રહ્યાં છે તેનું કારણ છે અન્ય ક્ષેત્રોમાં કામની માગ. આમ છતાં હું એટલું ચોક્કસ કહીશ કે ‘ઓમ શાંતિ ઓમ’માં અભિનેત્રી તરીકે કામ કરવાની મઝા જ કાંઇક ઓર હતી.