(Photo by PAL PILLAI/AFP via Getty Images)

દેશના સૌથી મોટા શેરબજાર એનએસઇના કો-લોકેશન કેસમાં સીબીઆઇએ શનિવારે સંખ્યાબંધ શહેરોમાં આશરે 10 સ્થળોએ સર્ચ કાર્યવાહી કરી છે. આ સર્ચ કાર્યવાહીમાં ગાંધીનગર, મુંબઈ, દિલ્હી, નોઇડા, ગુરુગ્રામ અને કોલકતા શહિતના શહેરોના 12થી વધુ સ્થળોએ શેરદલાલોને આવરી લેવામાં આવશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે સીબીઆઇએ આ કેસમાં નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (એનએસઇ)ના ભૂતપૂર્વ સીઇઓ અને એમડી ચિત્રા રામક્રિષ્ના અને ગ્રૂપ ઓપરેટિંગ ઓફિસર આનંદ સુબ્રમણ્યન સામે ચાર્જશીટ દાખલ કરી છે.

સીબીઆઇની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે 2010થી 2015 સુધી રામક્રિષ્ણા એનએસઇના વડા હતા તે દરમિયાન આ કેસની આરોપી ઓપીજી સિક્યોરિટીઝ ફ્યુચર એન્ડ ઓપ્શન સેગમેન્ટમાં 670 ટ્રેડિંગ ડે સુધી બીજા પીઓપી સર્વરનું જોડાણ મળ્યું હતું.

રામક્રિષ્ના અને સુબ્રમણ્યનના કાર્યકાળમાં એનએસઇના અધિકારીઓએ કેટલાંક શેરદલાલોને શેરબજારના ડેટાનો પ્રેફરન્શિયલ એક્સેસ આપ્યો હતો, તેનાથી આ શેરદલાલોને અયોગ્ય લાભ થયો હતા. સીબીઆઇ આ આરોપની પણ તપાસ કરી રહી છે.

રામક્રિષ્નાએ તેમના સલાહકાર તરીકે સુબ્રમણ્યનની નિમણુક કરી હતી અને પછીથી રૂ.4.21 કરોડના તગડા પગાર સાથે ગ્રૂપ ઓપરેટિંગ ઓફિસર તરીકે બઢતી આપી હતી.સીબીઆઇએ કરાવેલા ઓડિટમાં બહાર આવ્યું છે કે સુબ્રમણ્યનની નિમણુક અને બઢતી વિવાદાસ્પદ હતી. આ ઉપરાંત હિમાયલમાં રહેતા રહસ્યમય ‘યોગી’ની સલાહ દ્વારા એનએસઇના તમામ નિર્ણયો થતાં હતા. આ યોગી ખરેખર કોણ છે તેનો હજુ ખુલાસો થયો નથી, પરંતુ એવી અટકળો છે કે સુબ્રમણ્યન પોતે જ યોગી હતા.