Getty Images)

ગુજરાતમાં કોરોના વાયરસના કેસોની વઘુ સંખ્યામાં નોંધણી વચ્ચે તેનાથી થતાં મૃત્યુ દરમાં ધીમે ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 56 દિવસ બાદ કોરોના વાયરસથી સૌથી ઓછા 18 લોકોનાં મૃત્યુ નોંધાયા છે. છેલ્લે 30 એપ્રિલના રોજ મૃત્યુ આંક 17 થયો હતો. રાજ્યમાં કોરોનાના નવા કેસની 577ની સંખ્યા સામે મૃત્યુઆંક 18 જ હતો. જે છેલ્લા 56 દિવસનો સૌથી ઓછો હતો.

છેલ્લે 30 એપ્રિલનો મૃત્યુઆંક 17નો હતો. તે પછી આખા મે મહિના તથા અત્યાર સુધીના જૂનમાં દૈનિક મોતની સંખ્યા વધી જ રહેતી હતી. મે મહિનામાં ગુજરાતમાં સરેરાશ દૈનિક 26.6 મોત નોંધાયા હતા. જ્યારે જૂન માસની અત્યાર સુધી મોતની સરેરાશ 28.6 રહી છે. અમદાવાદમાં મે મહિનામાં દૈનિક મોત 22.3 હતા. જૂનમાં તે 22 છે. ગુજરાતમાં કુલ 29578 કેસમાંથી ત્રીજા ભાગના એટલે કે 19839 કેસ અમદાવાદમાં છે, જ્યારે મોતમાં પણ કુલ 1754 મોતમાંથી માત્ર અમદાવાદમાં જ 1390 મોત થયા છે.

નિષ્ણાંતોના કહેવા પ્રમાણ કોરોનાના કહેરના ચાર મહિના થઈ ગયા હોવાથી કોરોનાના લક્ષણોની ચકાસણી તથા સારવારની પ્રક્રિયા ઝડપી અને એક સમાન થવાને કારણે ગંભીર દર્દીઓને પણ મોતના મુખમાંથી બચાવવામાં આવી રહ્યા છે. નવા કોરોના કેસના વિશ્લેષણ મુજબ અમદાવાદ, સુરત તથા વડોદરા સિવાયના બીજા શહેર-જિલ્લાઓમાં કેસો વધી રહ્યા છે.

ગુરુવારે 22.7 ટકા કેસ આ સિવાયના જિલ્લામાં હતા. જે ટકાવારી ગત 15મી જૂને 15.4 ટકા હતી. રાજ્યમાં વડોદરામાં કુલ કેસની સંખ્યા 2000 ને પાર થઈ છે. અમદાવાદમાં 20,000 નજીક તથા સુરતમાં 4000 નજીક છે. આ ત્રણ જિલ્લામાં જ કોરોનાના 87 ટકા કેસ નોંધાયા છે.