પ્રતિક તસવીર (Photo by Oli SCARFF / AFP) (Photo by OLI SCARFF/AFP via Getty Images)

પુત્રીનું નામ વ્હાઇટ સ્કોટિશ ઉચ્ચારવાળુ ન હોવાના કારણે બ્રૌટી ફેરી, ડંડીમાં આવેલી લિટલ સ્કોલર્સ નર્સરીએ ભેદભાવ કરી તેની પ્રવેશ અરજીઓ નામંજૂર કરી હતી એવો ચોંકાવનારો આરોપ સ્કોટિશ હેલ્થ સેક્રેટરી હમઝા યુસુફે લગાવ્યો છે. તેમણે આ અંગે વોચડોગ્સ – કેર ઇન્સ્પેક્ટરેટને તપાસ કરવા માટે કહ્યું છે.

હમઝા યુસુફે કહ્યું હતું કે તેમણે અને પત્ની અલ-નકલાએ મે મહિનામાં નર્સરીના બોસને ઇમેઇલ કર્યો હતો અને બે વર્ષની પુત્રી અમલ એક જગ્યા માટે પૂછ્યું હતું, પરંતુ તેમને જાણ કરવામાં આવી હતી કે “કોઈ જગ્યા ઉપલબ્ધ નથી”. દંપતીએ બીજી વખત કહેતા તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. પરંતુ તેમણે દાવો કર્યો હતો કે જ્યારે તેમની એક શ્વેત મિત્રએ બે દિવસ પછી પૂછ્યું હતું કે શું તેમના બે વર્ષના દીકરા માટે જગ્યા છે, ત્યારે નર્સરીએ અઠવાડિયામાં બપોર પછીના ત્રણ સેશન માટે જગ્યા હોવાનું જણાવ્યું હતું. હમઝાએ દાવો કર્યો હતો કે તે જ નર્સરીએ “શ્વેત સ્કોટિશ ઉચ્ચારણવાળા નામો” ધરાવતા મિત્રો અને પરિવાર દ્વારા કરેલી પ્રવેશ અરજીઓ સ્વીકારી હતી.

ધ ડેઇલી રેકોર્ડ અખબારે અક્સા અખ્તર અને સુસાન બ્લેકના નકલી નામ સાથે પ્રવેશ મેળવવા અરજીઓ કરતા અક્સા અખ્તરની અરજી ફગાવી દેવાઇ હતી, પરંતુ સુસાન બ્લેકની અરજી સ્વીકારી જગ્યા ઓફર કરવામાં આવી હતી.

36 વર્ષીય યુસુફે કહ્યું હતું કે ‘’મેં અને મારી પત્નીએ ભેગા કરેલા પુરાવા અમારી શંકાને સાબિત કરે છે. જો અમે માનીએ કે સ્કોટલેન્ડમાં ભેદભાવ નથી તો અમે પોતાની જાતને જ મૂર્ખ બનાવી રહ્યા છીએ.”

નર્સરીએ તા. 2ના રોજ આક્ષેપોને નકારી કાઢતાં કહ્યું હતું કે ‘’આરોપો નિરપેક્ષપણે ખોટા છે અને અમારા માલિકો એશિયન વારસાના છે. અમે તપાસનું સ્વાગત કરીએ છીએ અને અમારી પાસે છુપાવવા માટે કંઈ જ નથી. અમારી નર્સરી બધા માટે ખુલ્લી અને સમાવિષ્ટ હોવાનો અમને ખૂબ જ ગર્વ છે અને તેનાથી વિપરીત કોઈપણ દાવો સ્પષ્ટપણે ખોટો છે અને આક્ષેપ કરતો છે, જેનું અમે આકરા શબ્દોમાં ખંડન કરીશું. એક દાયકા કરતા વધુ સમયથી અમે નિયમિતપણે બાળકો અને સ્ટાફ બંનેને વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક, વંશીય અને વંશીય પૃષ્ઠભૂમિમાંથી આવકાર્યા છે, જેમાં હાલમાં બે મુસ્લિમ પરિવારોનો સમાવેશ થાય છે. અમે નિયમિતપણે મુસ્લિમ બાળકો માટે હલાલ મેનુ પૂરું પાડીએ છે અને અમે એક મુક્ત નર્સરી છીએ અને બધાને આવકાર આપીએ છીએ તેની ખાતરી કરવા માટે અમારી પાસે જે નીતિઓ અને પ્રક્રિયાઓ છે તે દર્શાવવા અમે આતુર છે.”

જો કે, યુસુફે ટ્વિટ કર્યું હતું કે નર્સરીને ભેદભાવ માટે ખુલાસો કરવા દરેક તક આપવામાં આવી હતી. તે અને તેમની પત્ની નાદિયા અલ-નકલા કાનૂની સલાહ લઇ રહ્યા છે.

ટ્વિટમાં યુસુફે જણાવ્યું હતું કે ‘’શરૂઆતમાં પુત્રીની અરજીનો ઇન્કાર ઈસ્લામોફોબિક અથવા જાતિવાદી હોવાની શંકાને અમે ફગાવી દીધી હતી. પરંતુ મારી પત્નીની મનની વાત કહેતી હતી કે કંઈક બરાબર નથી. હું સરકારમાં કેટલો ઉંચો હોદ્દો ધરાવતો હોઉં તેનાથી કોઈ ફરક પડતો નથી, કેટલાક લોકો હંમેશા મને, મારી પત્ની અને બાળકોને અમારી વંશીયતા અથવા ધર્મના આધારે પહેલા જોશે. લીટલ સ્કોલર્સ તરફથી કોઈ સ્પષ્ટતા વિના, અમે સત્યનો પીછો કરીશું અને લાયક જવાબો મેળવીશું.”

સ્કોટિશ ટોરી નેતા ડગ્લાસ રોસે ટ્વિટ કરી જણાવ્યું હતું કે “આ એક ભયાનક પરિસ્થિતિ છે અને કોઈ પણ પરિવાર કે બાળકને તેમના નામ અને પૃષ્ઠભૂમિને કારણે ભેદભાવ સહન કરવો ન જોઈએ. આની તપાસ થવી જોઈએ અને સ્ટેમ્પ આઉટ થવું જોઈએ.”

સ્કોટિશ લેબર નેતા અનસ સરવરે કહ્યું હતું કે “અમે હમઝા અને નાદિયા સાથે છીએ અને નામના આધારે દરરોજ ભાદભાવ થાય છે. આ કિસ્સામાં નર્સરી હતી તો અન્યમાં નોકરી માટે થાય છે.”

સ્કોટિશ લિબરલ ડેમોક્રેટ્સના નવા નેતા બનવા માટે અગ્રેસર એલેક્સ કોલ-હેમિલ્ટને કહ્યું હતું કે  “આ ઘણા સ્તરો પર નિરાશાજનક છે જે તપાસની માંગ કરે છે.”